Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

સ્મૃતિ, વજુભાઇના નામ ચર્ચામાં, પણ રૂપાણી જ CM બને તેવી શકયતા

વિજય રૂપાણી - નીતિન પટેલ પુનઃ રિપિટ!: વિજય રૂપાણીનો ઘોડો સૌથી આગળ OBC નેતા વજુભાઇ વાળાની થઇ શકે છે ગુજરાત વાપસી

નવી દિલ્હી તા. ૨૦ : આગામી ૨૫ ડિસેમ્બરના રોજ ભાજપ રાજયમાં સરકાર રચી શકે છે અને ગત સરકારની જેમ આ વખતે પણ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ જોવા મળી શકે છે. ભાજપના સૂત્રો મુજબ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. આ ઉપરાંત તે જ દિવસે વડાપ્રધાન વાર્ષિક કાંકરિયા કાર્નિવલનું પણ ઉદઘાટન કરશે.

જોકે બીજા પણ કેટલાક નામો મુખ્યમંત્રીની હોડમાં ચર્ચાઈ રહ્યા છે. જેમ કે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને મોદીના કેબિનેટ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા. સોમવારે ભાજપ ૯૯ બેઠકો સાથે ફરી એકવાર ગુજરાતમાં સત્તામાં ચૂંટાઈ આવ્યું છે. જોકે પાછલા ૨૨ વર્ષોમાં ગુજરાતમાં આટલી ઓછી બેઠકો સાથેની પહેલી સરકાર બનવા જઈ રહી છે. જયારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને આ ચૂંટણીમાં જીવનદાન મળ્યું છે. રાહુલ ગાંધીના સતત ગુજરાત પ્રવાસ અને મંદિર મુલાકાતો તેમજ હાર્દિક, અલ્પેશ અને જીગ્નેષની સહાય સાથે કોંગ્રેસ ૭૭ જેટલી બેઠકો મેળવવામાં સફળ રહી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણી પહેલા જ આ મુખ્યમંત્રી કોણ સવાલનો જવાબ કદાચ આપી દીધો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજયામાં પક્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાાં જ ચૂંટણી લડી રહ્યું છે. જેના દ્વારા સ્પષ્ટ સંકેત મળ્યા છે કે નવી સરકારમાં પણ આ બંને હોદ્દા પર જુના પરિચિત ચહેરા જ જોવા મળશે. જયારે સોમવારે રિઝલ્ટ ડિકલેર થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પ્રવકતા આઈ.કે. જાડેજાએ પણ કહ્યું હતું કે, 'મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને મહત્વના હોદ્દા પર કોઈ ફેરફાર નથી.' જયારે એવી પણ ચર્ચાઓ હતી કે રાજયમાં દલિત અને આદિવાસી જાતીની વધુ સંખ્યાને જોતા ભાજપ આ જાતિના કોઈ દિગ્ગજને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે.

રાજયમાં ૨૭ બેઠકો આદિવાસી અને ૧૩ બેઠકો દલિત સમાજ માટે અનામત છે. ત્યારે આ કોમ્યુનિટીના નેતાને આગળ કરવામાં આવે તે તાર્કિક બાબત છે. ભાજપના સૂત્રો કહે છે કે, 'ચૂંટણી સમયે પાર્ટી પ્રમુખ અમિત શાહની મોટાભાગની રેલીઓ આદિવાસી બેલ્ટમાં કરાઈ છે. જયારે વડાપ્રધાન મોદીએ પણ અહીં રેલીઓ યોજીને આદિવાસી તેમજ દલિતોને આકર્ષવા ભરચક પ્રયાસ કર્યા છે. કેમ કે ચૂંટણીમાં પાટીદારોના ભાજપ વિરોધી ગુસ્સાને જોતા ભાજપ હવે તેની પરંપરાગત વોટબેંકથી આગળ નીકળીને અન્ય સમાજમાં પણ જગ્યા બનાવવા માગે છે. આ સ્થિતિમાં ગત સરકારમાં આદિવાસી વિકાસ પ્રધાન રહેલા ૪૬ વર્ષીય ગણપત વસાવા ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે.'

તેઓ ડિસેમ્બર ૧૮ના રોજ સુરતની માંગરોળ બેઠક પર સતત ચોથીવાર ચૂંટણી જીતીને વિધાનસભામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડગામથી અપક્ષ વિજેતા દલિત આગેવાન જિગ્નેશ મેવાણીની સામે ભાજપ પોતાનો આ દલિત અને આદિવાસી ચહેરો રજૂ કરી શકે છે. જયારે પાટીદાર ફેકટરને ધ્યાને રાખી મોદી કેબિનેટના રાજયકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયા અને રાજયકક્ષાના કેન્દ્રીય ખેતી પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાનું નામ પર ચર્ચાઈ રહ્યું છે. જયારે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું નામ પણ તાજેતરમાં ચર્ચામાં આવ્યું છે.

વજુભાઈ વાળા કર્ણાટકના ગવર્નર છે અને ભાજપના વરિષ્ટ OBC નેતા છે. રાજયમાં ૪૫%થી વધુ OBC સમાજ છે ત્યારે વજુભાઈ મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. તેઓ ગુજરાત રાજયના ભાજપ એકમના પ્રમુખ હતા તેટલું જ નહીં પરંતુ રાજયના નાણાંપ્રધાન તરીકે પણ ખૂબ લાંબી સેવા આપી ચૂકયા છે. જયારે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ પણ ચર્ચા છે. તેઓ મહિલા હોવા ઉપરાંત ગુજરાતમાં સૌથી જાણિતો ચહેરો છે અને ચૂંટણી દરમિયાન પણ તેમણે અનેક રેલીઓને ગુજરાતીમાં સંબોધી હતી.

(10:37 am IST)