Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

પેટ કોકની ઇમ્પોર્ટ ડ્યુટી વધતાં સિમેન્ટના ભાવ રૂ. ૫-૭ વધવાની શકયતા

મુંબઇ તા. ૨૦ : પેટ કોક પરની ઈમ્પોર્ટ ડ્યુટી હાલની ૨.૫ ટકાથી વધારીને ૧૦ ટકા કરવાના સરકારના નિર્ણયને પગલે સિમેન્ટ કંપનીઓના કાર્યકારી નફામાં ઘટાડો થશે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા વધારાને કારણે વીજ અને ઈંધણ મેટ્રિક ટન ખર્ચમાં વધવાને પગલે સિમેન્ટની થેલી દીઠ કિંમતમાં રૂ.૫-૭દ્ગટ વધારો થવાની શકયતા રહેલી છે તેમ અહેવાલમાં જણાવાયું છે.

સિમેન્ટના ઉત્પાદન માટે જંગી પ્રમાણમાં પેટ કોકનો વપરાશ કરતી સિમેન્ટ કંપનીઓને સરકારના ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાના નિર્ણયથી મોટો ફટકો પડશે તેમ ઈન્ડિયા રેટિંગ્સના એક અહેવાલમાં જણાવાયું છે.જો ખર્ચમાં વધારાનો બોજ ગ્રાહકોના શિરે નહીં લદાય તો સિમેન્ટ ઉત્પાદકોના કાર્યકારી નફામાં આશરે ૧ ટકા જેટલો ઘટાડો થશે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગયા સપ્તાહે પેટ કોકના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લીધાં બાદ ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવાના નિર્ણયની જાહેરાત કરાઈ હતી. પ્રદુષણમાં ઘટાડો કરવા માટે ગયા મહિને પેટ કોકના વપરાશ પર લદાયેલા પ્રતિબંધ બાદ સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે સિમેન્ટ ઉદ્યોગને ફીડસ્ટોક તરીકે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ઉદ્યોગોને છૂટ આપવાની સાથે સાથે જ સુપ્રીમ કોર્ટે પેટ કોકના વપરાશ અંગેની માર્ગદર્શિકા ઘડવા સરકારને નિર્દેશ આપ્યો હતો.

સ્થાનિક સ્તરે ઓછી ઉપલબ્ધીને પગલે સિમેન્ટ ઉત્પાદકો કોલસાની આયાત પર નિર્ભર રહેશે તેમ ઈન્ડિયા રેટિંગ્સે અહેવાલમાં જણાવ્યું છે. નોન-કોકિંગ કોલસાની તુલનાએ પેટ કોકમાં ઊંચી કેલોરિફિક વેલ્યુ હોવાથી સિમેન્ટ ઉત્પાદકો પેટ કોક પર પસંદગી ઉતારે છે. ઓકટોબર, ૨૦૧૫ની તુલનાએ ઓકટોબર, ૨૦૧૭માં દેશમાં પેટ કોકનો કુલ વપરાશ ૩૪ ટકા વધી ૨૦ લાખ મેટ્રિક ટન રહેવા પામ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં દેશમાં વપરાશમાં લેવાયેલા કુલ પેટ કોકમાંથી ૫૦ ટકા સ્થાનિક સ્તરેથી જયારે બાકીનો આયાત કરાયો હતો. આયાત કરાયેલા કુલ પેટકોકમાંથી આશરે ૩૫ ટકાનો વપરાશ સિમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાય છે.

(10:35 am IST)