Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

LED ટીવી રૂ. ૧૦,૦૦૦ સુધી તો આઇફોન ૧૫ ટકા મોંઘા

નવી દિલ્હી તા. ૨૦ : આ ક્રિસમસના તહેવારમાં જો ટેલિવિઝન, માઇક્રોવેવ, એલઇડી લેમ્પ કે અન્ય ઇલેકટ્રોનિકસ આઇટમ ખરીદવાનું વિચારતા હોવ તો બજેટ વધારીને જજો. દુકાનદાર આ વસ્તુઓના ભાવ વધારીને કહે તો ચોંકતા નહી. સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે વધારવામાં આવેલી કસ્ટમ ડ્યુટીને કારણે આવી પ્રોડ્કટ મોંઘી થઈ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે આયાત ડ્યૂટીને વધારવામાં આવતાં એલઇડી ટીવી રૂ.૨,૦૦૦થી લઇને રૂ.૧૦,૦૦૦ સુધી મોંધા થશે. જયારે આયાતી સ્માર્ટફોનની કિંમતમાં ૨૦ ટકાનો વધારો જોવાશે. કેટલાક સ્થાનિક આયાતકારોએ ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે અને તેને કારણે ભાવમાં વધારો મોટા શહેરોમાં તો અમલી પણ બની ગયો હોવાનું સૂત્રોનું કહેવું હતું. સરકાર દ્વારા કસ્ટમ ડ્યૂટી વધારીને ૨૦ ટકા સુધી કરવામાં આવી છે. આમાં સ્માર્ટફોન પરની ડ્યૂટીમાં ૧૫ ટકાનો વધારો કરાયો છે. આને કારણે આયાતી આઇફોનની કિંમતમાં સીધો ૧૫ ટકાનો વધારો થયો હોવાનું જાણકારોનું કહેવું હતું.

આયાતી એલઇડી પરની ડ્યૂટીમાં ૨૦ ટકાનો વધારો થયો છે જયારે માઇક્રોવેવ ઓવનની ડ્યૂટી બમણી વધારીને ૨૦ ટકાની કરાઈ છે. સીઇએએમએના પ્રમુખ મનીષ શર્માનું કહેવું હતું કે, સરકારે સંપૂર્ણ બિલ્ટ યુનિટ (સીબીયુ)ની ડ્યૂટીમાં વધારો કર્યો છે. આને કારણે આયાતી ટીવી પરની બેસિક ડ્યૂટીમાં ૨૦ ટકાનો વધારો થયો છે. આથી સ્થાનિક ટીવીની સરખામણીએ તેના ભાવમાં સીધો ૨૦ ટકાનો વધારો થયો છે. સૂત્રોનું કહેવું હતું, એલઇડી ટીવીની કિંમતમાં તેની સાઇઝ મુજબ રૂ.૨,૦૦૦થી લઇને રૂ.૧૦,૦૦૦ સુધીનો વધારો થયો છે.

વધુમાં તેમનું કહેવું હતું કે, આને કારણે સ્થાનિક ઉત્પાદકોને આનો લાભ થશે. સરકાર દ્વારા મેઇન ઇન ઇન્ડિયાના કેમ્પેઇનને પ્રોત્સાહન મળશે. આને કારણે વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન સુવિધામાં વિસ્તરણ કરે અથવા ભારતમાં નવો એકમ સ્થાપવા આગળ વધે તેવી સંભાવના પણ તેમણે મૂકી હતી. કસ્ટમ ડ્યૂટીના ભાવમાં થયેલા વધારાને કારણે સ્થાનિક કંપનીઓ પણ ભાવમાં ૩-૫ ટકાનો વધારો કરવાનું પગલું ભરે તેવી સંભાવના ઇન્ડસ્ટ્રીઝના સૂત્રો મૂકી રહ્યા છે. ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને ઇવીપી કમલ નંદીનું કહેવું હતું કે, માઇક્રોવેવ ઓવન કેટેગરીની કસ્ટમ ડ્યૂટીમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવતા આ કેટેગરીમાં આ સરેરાશ ભાવમાં રૂ.૪૦૦થી રૂ.૫૦૦ વધારો થશે. આને કારણે ટૂંકા ગાળાની માગને વિપરીત અસર જોવા મળી શકે છે.

દરમિયાન એપલે આઇફોનના વિવિધ મોડલના ભાવમાં ડ્યૂટી વધારા પછી રૂ.૩,૭૨૦ સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વિડિયો રેકોર્ડિંગ સાધનો તેમજ ટીવી કેમેરા પરની આયાત ડ્યૂટીને ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે જયારે સેટ અપ બોકસની ડ્યૂટી ૨૦ ટકા વધી છે.

(10:35 am IST)