Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ખુશખુશાલ કોંગ્રેસ હવે મોદીને શિંગડા ભરાવવા બધા વિપક્ષોને એક કરશે

ગુજરાતમાં ભલે સત્તા ન મળી પરંતુ દેખાવ સારો કર્યોઃ રાહુલનો નવો અવતાર જોવા મળ્યોઃ વોટ કેચર તરીકે બહાર આવ્યાઃ ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રાદેશિક પક્ષો ઉપર કોંગ્રેસનું ધ્યાનઃ ૨૦૧૯માં મોદી સામે મોટો પડકાર ઉભો કરવા કોંગ્રેસનો વ્યુહ

નવી દિલ્હી તા.ર૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી કોંગ્રેસને નવુ બળ મળ્યુ છે પક્ષે બેઠકો વધારી છે એટલુ જ નહી તે સજીવન પણ થઇ છે. જો કે કોંગ્રેસ સરકાર રચી શકી નથી પરંતુ તે એક મજબુત વિપક્ષ તરીકે બહાર આવેલ છે. હવે કોંગ્રેસનું ધ્યાન રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોની એકતા તરફ કેન્દ્રીત થશે કે જેથી મોદી સરકારને શીંગડા ભરાવી શકાય.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીઓમાં એક નવા અવતાર તરીકે અથવા તો વોટ કેચર એટલે કે મતો ખેંચી લાવતા નેતા તરીકે બહાર આવ્યા છે જેને કારણે તેમને બીહાર અને યુપી જેવા રાજયો કે જયાં ૪૦ થી ૮પ જેટલી લોકસભાની બેઠકો છે ત્યાં પ્રાદેશિક પક્ષોને પોતાની તરફ ખેંચવાનુ સરળ બનશે. જો કે ગુજરાતમાં તેમને વિજય નહી મળતા બેઠકોની ફાળવણીના મામલે તેઓના બાર્ગેનીંગ પાવર ઉપર અસર પડશે.

રાજદના નેતાનુ કહેવુ છે કે જો કોંગ્રેસ ગુજરાતમાં ૯રના જાદુઇ આંકડા સુધી પહોંચી ગઇ હોત તો ર૦૧૯માં લોકસભાની ચૂંટણી વખતે તેના સાથી પક્ષો રાજદ, સપા કે અન્ય પ્રાદેશિક પક્ષો પાસે વધુ બેઠકો માંગવાનુ કોંગ્રેસ માટે મુશ્કેલ બનશે. યુપી અને બિહારમાં કોંગ્રેસનું સંગઠનનું માળખુ ઘણુ નબળુ છે જેને કારણે કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો પાસે જોડાણ કરવુ જ પડશે. જો કે કોંગ્રેસે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પોતાના ફ્રેન્ડલી પ્રાદેશિક નેતાઓ જેમ કે રાજદના લાલુ યાદવ કે અખિલેશ યાદવને પ્રચાર માટે જોતર્યા ન હતા.

ગુજરાતની ચૂંટણી બાદ પ્રાદેશિક પક્ષો હવે કોંગ્રેસને માનભેર પરિબળ તરીકે જોવા લાગ્યા છે તેથી કોંગ્રેસ પક્ષ હવે તમામ વિપક્ષોને ભવિષ્યમાં એકીકૃત કરવાના પ્રયાસો કરશે તેવુ એક કોંગ્રેસના નેતાનુ કહેવુ છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે પીએમ ગૃહ રાજય ગુજરાતમાં કોંગ્રેસે ભાજપને આકરી લડાઇ આપતા સત્તારૂઢ એનડીએ ઉપર પણ કેટલીક અસર પડશે. પરિણામ બાદ હવે એનડીએના સાથી પક્ષો ભાજપ ઉપર દબાણ લાવશે તેવુ બીહાર કોંગ્રેસના નેતાનુ કહેવુ છે. આ સંજોગોમાં કોંગ્રેસ માટે સારી પરિસ્થિતિ બનશે કે તે વિવિધ પક્ષોને એક કરી મોદી સરકાર સામે પડકાર ઉભો કરે.

(11:18 am IST)