Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ગુજરાતનો બોધપાઠઃ બજેટ કૃષિ અને ખેડુતલક્ષી રાખવા તૈયારી

ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ નાણા ફાળવાશેઃ દરેક ખેતરને પાણી પહોંચાડવા અને પાક વિમા યોજના હેઠળના કવરેજને વધારવાનુ એલાન થશેઃ ખેડુતોના હિતોને ધ્યાનમાં રાખી અનેક પગલાઓ જાહેર થશેઃ મંડી કાનૂનમાં પણ ફેરફારો કરવા સરકારની વિચારણા

નવી દિલ્હી તા.ર૦ : સામાન્ય બજેટ ર૦૧૮માં ગુજરાતની ચૂંટણીની અસર જોવા મળશે. આમ તો નાણા મંત્રી જેટલી અને તેમની ટીમ બજેટની તૈયારીમાં અગાઉથી લાગી હતી અને મોદી સરકારનુ અંતિમપુર્ણ બજેટ હોવાને કારણે તે લોકલુભાવન હોવાના કયાસ પણ કાઢવામાં આવતા હતા પરંતુ ગુજરાતની ચૂંટણીમાં જે રીતે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો તે જોતા સરકાર આ બજેટ થકી ગ્રામીણ અર્થતંત્રને વધુને વધુ નાણા આપવાનુ પગલુ લઇ શકે છે. આ સિવાય ખેડુતોના હિતોથી લઇને પણ કેટલાક પગલાઓ જાહેર કરવામાં આવશે.

માત્ર ગુજરાતની ચૂંટણી જ નહી પરંતુ યુપીમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીઓમાં પણ ભાજપને કેટલાક એવા સંકેતો મળ્યા હતા કે હવે તેણે ગ્રામીણ તથા ખેડુતોના મુદાઓને લઇને વધુ સક્રિય થવુ પડશે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે કોંગ્રેસે બાજી મારી છે. યુપીમાં નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપે દેખાવ વધાર્યો પરંતુ સપાનુ પ્રભુત્વ યથાવત રહ્યુ. જો કે શહેરી વિસ્તારોમાં ભાજપ દબદબો રહ્યો.

આ વખતના બજેટમાં ખેડુતોની આવક બમણી કરવા સરકાર અનેકવિધ પગલા લેશે. સરકારે ટાર્ગેટ રાખ્યો છે કે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવી. ખેડુતોની વર્તમાન પરિસ્થિતિને જોતા કોંગ્રેસ આ મુદાને આવતી સામાન્ય ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવવાની તૈયારીમાં છે. એવુ માનવામાં આવે છે કે સરકાર કોંગ્રેસની બોલતી બંધ કરવા બજેટમાં દરેક ખેતરને પાણી અને પાક વિમા યોજના હેઠળ કવરેજ વધારવાની નીતિમાં મોટા ફેરફારો કરશે.

પાક વિમા યોજના હેઠળ અપાતી ૮૮૦૦ કરોડની રકમમાં ભારેખમ વધારો કરવાની શકયતા છે. આ માટે આ મામલે નાણા મંત્રાલય અને કૃષિ મંત્રાલયની બેઠકો પણ યોજાઇ હતી. સરકાર રાજયોની મંડી કાનૂનમાં પણ ફેરફાર કરવા માંગે છે.

(10:33 am IST)