Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

કેન્દ્રનો ખેડુત પ્રેમ ઉભરાયોઃ શોર્ટ ટર્મ લોન વધારી પ લાખ કરશે

ખેડુતોની આવક બમણી કરવા સરકાર કામે લાગીઃ ટુંકા ગાળાની લોન ૩ લાખથી વધારી પ લાખ કરાશે અને લોંગ ટર્મ લોન પર ૪ ટકા સબસીડી આપશેઃ ખેડુત પાસેથી સીધે-સીધો જ માલ ખરીદવામાં આવશેઃ વચેટિયાની પ્રથા નાબુદ થાયઃ નીતિ આયોગે આપ્યો રિપોર્ટ

નવી દિલ્હી તા.ર૦ : બજેટમાં સરકાર ખેડુતો માટે શોર્ટ ટર્મ (ટુંકા ગાળા)ની રકમને ૩ લાખ રૂપિયાથી વધારીને પ લાખ રૂપિયા કરી શકે છે. સાથોસાથ લાંબાગાળાની લોન પર ૪ ટકાની સબસીડી આપવાનુ પણ એલાન કરી શકે છે. નીતિ આયોગે ખેડુતોની આવક વધારવા માટે સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે.

નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન પરિસ્થિતિમાં સરકાર નીતિ આયોગની ભલામણોને સ્વીકારતા ખેડુતોની નાણાકીય હાલત સુધારવા અને તેમની આવકને ર૦રર સુધી બમણી કરવા માટે આ ભલામણોને સ્વીકારીને બજેટમાં તેની જાહેરાત કરી શકે છે. અત્રે એ નોંધનીય છે કે સરકાર ખેડુતોને પાક માટે ૩ લાખની ટુંકા ગાળાની લોન આપે છે. તેમાં ખેડુતોને વ્યાજ પર ૩ થી ૪ ટકાની સબસીડી આપવામાં આવે છે. લાંબા ગાળાની લોન પર ખેડુતોને સરકાર સબસીડી નથી આપતી.

રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયુ છે કે મોટાભાગના ખેડુતોની હાલત એટલી સારી નથી કે પોતે જ પોતાની આવક વધારવાનો પ્રયાસ કરી શકે. જો ખેડુતોની આવક વધારવી હોય તો તેમના માટે જરૂરી છે કે તેમને સસ્તા દરે લોન આપવામાં આવે. તેઓની પાસે સસ્તી લોન જશે તો તેઓ ખેતી માટે સાધનો, બીજ અને અન્ય વસ્તુઓ ખરીદી શકશે. જેનાથી ખેતી સરળ બનશે અને ઉત્પાદન વધશે એટલુ જ નહી કોસ્ટ ઓછી થવાથી ખેતી ફાયદાનો સોદો સાબીત થશે. આનાથી ખેડુતોની આવક પણ વધશે.

આ ઉપરાંત નીતિ આયોગે ખેડુતોની આવક વધારવા અને વચેટીયાઓને દુર કરવા માટે સીધે-સીધો ખેડુતો પાસેથી માલ ખરીદવાની પણ ભલામણ કરી છે. તેણે નવા કૃષિ પ્રોડયુસ એન્ડ લાઇવ સ્ટોક કમીટી એકટ ર૦૧૭ને લાગુ કરવા પણ કહ્યુ છે.

નીતિ આયોગ સતત રાજયોના કૃષિ પ્રધાનો સાથે બેઠક યોજી રહ્યુ છે કે જેથી ખેડુતોની આવક વધારી શકાય. નીતિ આયોગનું એવુ પણ માનવુ છે કે વર્તમાન પરિસ્થિતિમાં ખેડુતોની આવકને બમણી કરવા ઘણો સમય લાગી શકે છે એવામાં જરૂરી છે કે તેઓને અનેક પ્રકારની રાહતો આપવામાં આવે. કૃષિ ઉત્પાદન વધારવા પણ પ્રયાસ થશે.

(9:23 pm IST)