Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

હવે ભાજપનું સ્પેશિયલ ફોકસ સૌરાષ્ટ્ર-ગવર્નન્સ ઉપર રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ ભાજપ ખાસ રણનીતિથી સત્તા સંભાળશેઃ હવે ભાજપ તમામ સમુદાયોના હિત માટે ભુમિકા ભજવશેઃ ગામડાઓના અસંતોષને ડામવા ભરપુર પ્રયાસ કરશે

નવી દિલ્હી તા.ર૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ન હતા જેની ભાજપના દેખાવ ઉપર અસર પડી છે અને પક્ષને તેની કિંમત પણ ચુકવવી પડી છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ ક્ષેત્રોની અવગણના થતા હવે પક્ષે ખાસ ફોકસ કરવાની જરૂર છે અને આવતા દિવસો પક્ષે બધા સમુદાયના હિત માટે ભુમિકા ભજવવી પડશે. તેમ વિશ્લેષણના આધારે પીએમના નજીકના લોકો અને પક્ષના આંતરીક વર્તુળોનુ કહેવુ છે.

પક્ષ અને સરકાર સાથે જોડાયેલા ટોચના નેતાઓનુ માનવુ છે કે ગુજરાતમાં સતત છઠ્ઠી વખત પક્ષનો વિજય મહત્વનો છે કારણ કે પક્ષ સામે રર વર્ષની એન્ટી ઇન્કમબન્સી મોઢુ ફાડીને ઉભી હતી. પક્ષનું માનવુ છે કે જો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા અસંતોષને ડામવામાં સફળ રહી હોત તો ભાજપનો દેખાવ વધુ સારો થાત. ગુજરાતના એક સીનીયર નેતા જણાવ્યા પ્રમાણે પક્ષનું સામુહીક રીતે માનવુ છે કે, જો જ્ઞાતિ આધારીત આંદોલનો કે રાજયમાં ઉથલ-પાથલ પેદા કરી ન હોત તો ભાજપનો દેખાવ ઘણો સારો રહી શકત.

ભાજપના એક નેતાના જણાવ્યા પ્રમાણે ટેકાના ભાવના વધારાના એલાનમાં મોડુ થયુ અને મોટાભાગના ખેડુતો આની સિસ્ટમથી બહાર રહી ગયા હતા જેના કારણે ખેડુતોએ આ વખતે ભાજપને સમર્થન નહી આપવાનો નિર્ણય કર્યો હતો. તેઓનુ એમ પણ કહેવુ છે કે, જયારે જયારે મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમીટનું આયોજન કર્યુ હતુ ત્યારે ત્યારે તેઓએ કૃષિ મેળો પણ યોજયો હતો. તેમનો હેતુ સ્પષ્ટ હતો કે તેઓ ઉદ્યોગોની સાથે-સાથે કૃષિના મામલે પણ ગંભીર છે. જેને કારણે સરકારની ઇમેજને પણ લોકપ્રિયતા મળી હતી.

હવે પક્ષને લાગે છે કે ગામડાઓમાં ફેલાયેલા અસંતોષની સામે નિપટવુ મહત્વનુ બનશે. અલગ-અલગ સમુદાયો સુધી પહોંચીને સમાજ માટે કંઇક કરવાનુ રહેશે અને ભાજપ હવે ગવર્નન્સને વધુ સારૂ બનાવવા માંગે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ ખુદ ગુજરાતની પરિસ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે કે જેથી ગવર્નન્સને તેઓ મુખ્યમંત્રી હતા ત્યારના કાર્યકાળ જેવો ટાઇટ અને અસરકારક બનાવી શકે.

પક્ષના એક નેતાના જણાવ્યા પ્રમાણે એ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ વાઘાણી પોત-પોતાની બેઠકો જીતી છે પરંતુ તેઓએ બુથ મેનેજમેન્ટ અને મતો માટે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઉપર સંપુર્ણપણે નિર્ભર રહેવુ પડયુ હતુ. આ સિવાય મોદીએ ઘણી મુશ્કેલીથી મતદારોનો એક વર્ગ ઉભો કર્યો છે જે ફકત વિકાસના આધાર પર મત આપે છે પછી ભલે તે ગમે તે સમુદાયનો હોય. આની સાથે સમજુતી કરી ન શકાય.

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રવકતા જગદીશ ભાવસારનું કહેવુ છે કે ભાજપને તમામ સમુદાયોનુ સમર્થન મળ્યુ છે અને હવે ભાજપ બધા સમુદાય પાસે જઇને તેઓને વિશ્વાસ અપાવશે કે તેઓ ભાજપ સાથે રહે એ જ સારૂ છે. તેમનુ કહેવુ છે કે અમે પ૩ ગ્રામીણ બેઠકો મેળવી છે અને એ કહેવુ ખોટુ છે કે અમને ફકત શહેરી વિસ્તારોમાં જ બેઠકો મળી છે. પાટીદાર આંદોલનની અસર નથી જો આવુ હોત તો ભાજપ મહેસાણામાં વિસનગરની બેઠક જીતી ન શકત કે જે પાટીદારોનું એપી સેન્ટર હતી. સુરતમાં પણ હાર્દિકની મોટી રેલી હોવા છતાં ત્યાં ભાજપે મોટી સફળતા મેળવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં પણ પક્ષનો દેખાવ લગભગ પહેલા જેવો રહ્યો છે.

ભાજપ હવે બારીકાઇથી અલ્પેશ ઠાકોર અને તેમના કોંગ્રેસના નેતા અને પાટીદાર ચહેરો પરેશ ધાનાણી સાથેના સંબંધોથી પડનારી અસર ઉપર નજર રાખી રહી છે. ભાજપના એક નેતાના કહેવા મુજબ પાટીદારો આજે નહી કાલે ભાજપમાં પરત ફરી જશે. અમુક પાટીદારોએ જ વિચાર્યુ હતુ કે આ વખતે ભાજપને સબક શિખવાડવો છે પરંતુ હવે એ બાબત પુરી થઇ ગઇ છે.

(10:37 am IST)