Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

બજેટમાં કૃષિ ઉપર ભાર મુકાશેઃ ગ્રામિણ ભારત ઉપર ફોકસ

ગુજરાતની ચૂંટણી અંગે વિવિધ બ્રોકરેજ હાઉસ શું કહે છે ?

મુંબઈ, તા. ૨૦ :. ગુજરાતની ચૂંટણીના પરિણામ બાદ સરકાર હળવો રાજકોષીય અભિગમ અપનાવશે અન્ે આગામી કેન્દ્રીય બજેટમાં લોકરંજક પગલા વધુ લે તેવી ધારણા છે, એમ વિવિધ બ્રોકરેજ હાઉસે જણાવ્યુ છે. ગુજરાતની ૧૮૨ સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠક મળી છે, જે ૨૦૧૨માં મળેલી બેઠક કરતા ઘણી ઓછી છે. ચૂંટણી બાદ પલ્ટાયેલા ચિત્ર અંગે વિવિધ બ્રોકરેજ હાઉસના અભિપ્રાય.

સીએલએસએ...

આ વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએ એ જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટમાં સરકાર લોકરંજક પગલા લે તેવી શકયતા છે. સરકાર પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરે તેવી ધારણા છે અને તે મોદી સરકારનું છેલ્લુ મહત્વનું બજેટ હશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધાને કારણે સરકાર ગરીબલક્ષી કે ગ્રામીણલક્ષી પગલા પર વધુ ભાર મુકશે. સરકારની નબળી રાજકોષીય સ્થિતિને કારણે સ્થિતિ જટિલ બની શકે છે કારણ કે જીએસટીની આવક સરકારના અંદાજ કરતા ઘણી નીચી રહી છે. જો તે ચિંતા ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ માટેની નહીં, પરંતુ ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટેની છે. સીએલએસએ એ જણાવ્યું હતું કે, 'અમે માનીએ છીએ કે રાજકોષીય અને સીપીઆઈ ફુગાવાના લક્ષ્યાંકને થોડો હળવો કરવામાં આવશે તો તેનાથી દેશની આર્થિક વૃદ્ધિને પોઝીટીવ અસર થવાની ધારણા છે.

ક્રેડિટ સુઈસ

બ્રોકરેજ હાઉસે જણાવ્યુ હતુ કે બજેટના પ્રવચનમાં કૃષિક્ષેત્ર પર ફોકસ થશે. સરકાર ફર્ટિલાઈઝર્સ, પાક વીમાના ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરમાં વધારો કરી શકે છે. તે ખેડૂતો માટે નવી ભાવ ગેરેંટી સ્કીમની જાહેરાત કરી શકે છે, જો કે સરકારને તેના રાજકોષીય અંદાજમાં વધારો ન કરવાની ફરજ પડી શકે છે.

એડલવાઈસ

૨૦૧૮માં ઈલેકટોરલ સાઈકલમાં વધારો અને ગુજરાતમાં અંદાજ કરતા ઓછી બેઠકોથી સરકાર દ્વારા ઓછા કન્ઝર્વેટિવ રાજકોષીય અભિગમની શકયતા ઉભી થઈ છે. સરકાર ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રો પર વધુ ભાર મુકી શકે છે અને બજાર ચૂંટણીના સમયે વધુ સંવેદનશીલ બની શકે છે.

કોટક ઈન્સ્ટીટયુટશનલ ઈકિવટીઝ

રાજ્ય વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ આ બ્રોકરેજ હાઉસને સરકારની આર્થિક નીતિઓમાં કોઈ મોટા બદલાવની ધારણા નથી. સરકાર રોકાણ અને ગ્રામીણ અર્થતંત્રને ફરી બેઠું કરવા ચોક્કસ પ્રોગ્રામ પર વધુ ફોકસ કરે તેવી ધારણા છે.

નોમુરા

વિદેશી બ્રોકરેજ હાઉસ નોમુરા માને છે કે સરકાર રાજકોષીય શિસ્તને જાળવી રાખશે, પરંતુ નજીકના ગાળામાં રાજકોષીય ખાધના લક્ષ્યાંકમાં થોડા ચૂકની શકયતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં. સરકાર ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ગ્રામીણ ભારત અને ઈન્ફ્રાસ્ટ્રકચર પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરે તેવી શકયતા છે.

(10:31 am IST)