Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

મણીશંકર - સિબ્બલનાં નિવેદનોથી કોંગ્રેસને નુકસાન

વિરપ્પા મોઇલીનો ધડાકોઃ બંનેના નિવેદનોનો મોદીએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઇલીએ એક મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મોઇલીએ સ્વીકાર્યું છે કે, ચૂંટણી દરમિયાન મણિશંકર અય્યર અને કપિલ સિબલનાં નિવેદનોથી પાર્ટીને નુકસાન થયું છે. મોઇલીએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે ખૂબ નીચલા સ્તરે જઈને આ નિવેદનોનો ફાયદો ઉઠાવ્યો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસે ભાજપનો મુકાબલો ખૂબ આક્રમક રીતે કર્યો. તેની અસર કોંગ્રેસની વધેલી બેઠકોના સ્વરૂપમાં જોવા મળી, પરંતુ ૨૨ વર્ષ બાદ ગુજરાતની સત્તામાં તે પાછી ફરવાનું સપનું પૂરું ન કરી શકી. રાજકીય ગલીઓમાં કોંગ્રેસની નિકટની હાર પાછળ ખુદ તેમના નેતાઓ અય્યર અને સિબલનાં નિવેદનોને પણ દોષી માનવામાં આવી રહ્યાં છે. જોકે મોઇલીએ એવા પહેલાં નેતા છે, જેમણે જાહેરમાં તેનો સ્વીકાર કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી પર એક વાંધાજનક ટિપ્પણી કરી હતી. અય્યરે વડાપ્રધાન મોદીને 'નીચ આદમી' કહ્યું હતું. ત્યાર બાદ મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં અય્યરનાં આ નિવેદનને મુદ્દો બનાવી દીધો હતો અને પોતાની રેલીઓમાં તેનો ખૂબ ઉપયોગ કર્યો હતો. જોકે બાદમાં રાહુલ ગાંધીએ અય્યરને મોદીની માફી માગવા કહ્યું હતું અને પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કરી દીધા હતા.

બીજી તરફ કપિલ સિબલે પણ ચૂંટણી દરમિયાન રામ મંદિર અંગે નિવેદન આપીને ભાજપને બેઠા બેઠા રાજકીય મુદ્દો પકડાવી દીધો હતો. સિબલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રામ મંદિર મુદ્દે સુનાવણીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સુધી ટાળવામાં આવે. વડાપ્રધાને ગુજરાત ચૂંટણીની પોતાની રેલીઓમાં તેને મુદ્દો બનાવ્યો હતો. સમગ્ર ચૂંટણી દરમિયાન મોદી અને ભાજપે આ બંને નિવેદનો પર કોંગ્રેસને ઘેરી હતી. કોંગ્રેસને તેનું નુકસાન પણ થયું અને હવે મોઇલી તેને સ્વીકારી પણ રહ્યા છે.

મોઇલીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું છે કે, એક હદે તેમનાં (અય્યર, સિબલ)નાં નિવેદનોથી નુકસાન થયું છે. મોઇલીએ કહ્યું છે કે, વડાપ્રધાને નીચલા સ્તરે જઈને આ નિવેદનોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. મોઇલીએ કહ્યું કે, વડાપ્રધાન કોઈ પણ કિંમતે જીતવા માગતા હતા, તેથી તેમણે આમ કહ્યું.(૨૧.૫)

(9:30 am IST)