Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

બીજી T -20 મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 65 રનથીશાનદાર વિજય :સિરીઝમાં 1-0થી આગળ

સિરીઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ હતી: સૂર્યકુમાર યાદવ 51 બોલમાં અણનમ 111 ફટકાર્યા: ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારતે ન્યુઝીલેન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ભારતની પહેલી વિકેટ 36 રનના સ્કોર પર પડી, જ્યારે રિષભ પંત 13 બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશને ઝડપી રન બનાવીને ભારતના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો હતો, પરંતુ તે પણ 31 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં વરસાદને કારણે 27 મિનિટની રમત ખોવાઈ ગઈ હતી, પરંતુ ઓવરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો ન હતો.ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી છે.

  સૂર્યકુમાર યાદવ બાજી સંભાળી અને ઝડપી ગતિએ રન બનાવ્યા, પરંતુ બીજા છેડે વિકેટો પડતી રહી. શ્રેયસ અય્યરને નવ બોલમાં 13 રન બનાવ્યા બાદ વિકેટ પડી હતી. તે જ સમયે, કેપ્ટન હાર્દિકે 13 બોલમાં 13 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા અને વોશિંગ્ટન સુંદર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. અંતમાં સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 111 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તેની સદીના કારણે ભારતે છ વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો ટાર્ગેટ આપ્યો.ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ ત્રણ અને લોકી ફર્ગ્યુસને બે વિકેટ ઝડપી હતી. ઈશ સોઢીને એક વિકેટ મળી હતી.

192 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફિન એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. ભુવનેશ્વર કુમારે તેને મેચના બીજા બોલ પર અર્શદીપ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ન્યુઝીલેન્ડની બીજી વિકેટ 56 રનના સ્કોર પર પડી હતી. વોશિંગ્ટન સુંદરે ડેવોન કોનવેને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ 69 રનના સ્કોર પર પડી હતી. યુઝવેન્દ્ર ચહલે ગ્લેન ફિલિપ્સને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી.ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ 88 રનના સ્કોર પર પડી હતી. દીપક હુડ્ડાએ ડેરીલ મિશેલને શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો.

ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 89 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. યુઝવેન્દ્ર ચહલે જેમ્સ નીશમને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી.ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી છે

(4:56 pm IST)