Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

જે દેશોએ આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવી છે તેવા આતંકવાદ માટે સ્વર્ગ ગણતા દેશો વિરુદ્ધ અત્યંત કડક આર્થિક પ્રતિબંધો લાદવા જોઈએઃ અમિત શાહ

આતંકવાદ વિરુદ્ધના એક સત્ર 'નો મની ફોર ટેરર'ને સંબોધતાઃ આતંકીઓ દ્વારા નાણાંની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ગેરકાયદે ચેનલ્સ, કુરયિરથી મોકલવાતી રોકડ અને હવાલા સહિતની બાબતોને નાબૂદ કરોઃ અમિત શાહ

 નવી દિલ્હી: પાકિસ્તાન પર આડકતરી રીતે આકરા પ્રહારો કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જે દેશોએ આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવી છે તેવા આતંકવાદ માટે સ્વર્ગ ગણતા દેશો વિરુદ્ધ અત્યંત કડક આર્થિક પ્રતિબંધો લાદવા જોઈએ.

આતંકવાદ વિરુદ્ધના એક સત્ર 'નો મની ફોર ટેરર'ને સંબોધતા તેમણે આતંકીઓ દ્વારા નાણાંની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ગેરકાયદે ચેનલ્સ, કુરયિરથી મોકલવાતી રોકડ અને હવાલા સહિતની બાબતોને નાબૂદ કરવા અંગે જણાવ્યું હતું. 75 થી વધુ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 450 પ્રતિનિધિઓને સંબોધતા શાહે જણાવ્યું હતું કે કેટલાક દેશો, તેમની સરકારો અને તેમની એજન્સીઓએ 'આતંકવાદ'ને તેમની રાષ્ટ્રીય નીતિ બનાવી છે. આતંકવાદના અડ્ડા ગણતા આ દેશોની નિરંકુશ ગતિવિધિઓ પર લગામ કસવાની સાથે સાથે જ તેમની વિરુદ્ધ અત્યંત આકરા આર્થિક પ્રતિબંધો લાદવાની જરૂર છે. વિશ્વના તમામ દેશોએ તેમના ભૌગોલિક-રાજકીય હિતોથી પર થઈને આ અંગે સહયોગ આપવો જોઈએ.

તેમણે કહ્યું કે કેટલાક દેશો વારંવાર આતંકવાદીઓને અને આતંકવાદને આશ્રય આપનારાને સહાય આપે છે. મારા મતે, આતંકવાદની કોઈ આંતરરાષ્ટ્રીય સીમાઓ નથી હોતી, તેથી તમામ દેશોએ રાજકારણથી આગળ વધીને વિચારવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ.

શાહે વધુમાં જણાવ્યું હતું કે તમામ દેશોએ 'આતંકવાદ' અને 'ટેરર ફાઇનાન્સિંગ' ની એક સામાન્ય વ્યાખ્યા અંગે સંમત થવું પડશે કારણ કે આ નાગરિકોના રક્ષણ, અને તેમના માનવ અને લોકશાહી અધિકારોનો મુદ્દો છે, જેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ.

આતંકવાદીઓ ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સાયબર સ્પેસના મહત્વવને સારી રીતે સમજે છે. તેઓ લોકોની લાગણીઓને પણ સમજે છે અને તેમનું શોષણ કરે છે. આતંકવાદ સામેની લડાઈમાં સાયબરસ્પેસ આજે એક મોટું યુદ્ધનું મેદાન બની ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું. સંબોધન દરમિયાન તેમણે આતંકવાદ સામેના છ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતાં, જેમાં ફાયનાન્સિયલ નેટવર્કમાં બેનામી આર્થિક વ્યવહારો પર લગામ કસવી, અન્ય ગુનાઓના નાણાં આતંકવાદમાં ઉપયોગમાં ના લેવાય તેનું ધ્યાન રાખવું, ક્રિપ્ટો કરન્સી, વોલેટ જેવી નવી ફાયનાન્સિયલ ટેક્નોલોજીસનો દુરૂપયોગ અટકાવવો, હવાલા, કેશ કુરિયરને નાબૂદ કરવા તથા એનજીઓનો ટેરર ફંડિગ માટે દુરૂપયોગ અટકાવવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

(12:53 pm IST)