Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વસૂલી કરવા માટે બનાવટી કેસ રચાયો તે સાબિત થયું' : આર્યનના જામીન ડિટેલ ઓર્ડર પર નવાબ મલિકનું ટ્વીટ

નવાબ મલિકે ટ્વીટ કરી કહ્યું -'હાઈકોર્ટનો આદેશ સાબિત કરે છે કે આર્યન ખાન કેસ વસુલી માટે અપહરણનો કેસ છે. આ પહેલાથી જ આયોજન કરાયું હતું. આ સમગ્ર કૌભાંડનો હવે પર્દાફાશ થયો

મુંબઈ : બૉલીવુડ અભિનેતા શાહરૂખનો પુત્ર આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં  જામીન પર બહાર છે. તેના જામીન સંબંધિત બોમ્બે હાઈકોર્ટના આદેશની વિગતવાર નકલ બહાર આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યુ નથી. તેમજ તેની ચેટથી સાબિત થતું નથી કે તે ડ્રગ્સ સંબંધિત કોઈ કાવતરાનો ભાગ હતો. કોર્ટે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે જે એ સાબિત કરે કે આરોપીઓએ ગુનો સાબિત કરવા માટે કોઈ પ્લાનિંગ કર્યુ હોય.

આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ ક્રુઝમાં સ્વતંત્ર રીતે મુસાફરી કરી રહ્યા હતા. NCP નેતા અને મંત્રી નવાબ મલિકે જામીન સંબંધિત આ વિગત ઓર્ડર કોપી પર ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘હાઈકોર્ટનો આદેશ સાબિત કરે છે કે આર્યન ખાન કેસ વસુલી માટે અપહરણનો કેસ છે.

આ પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું હતું. વસુલી કરવા માટે તેમને ફસાવવામાં આવ્યા અને અપહરણ કરવામાં આવ્યું. પરંતુ એક સેલ્ફી બહાર આવી ગઈ અને આખો પ્લાન નિષ્ફળ ગયો. આ સમગ્ર કૌભાંડનો હવે પર્દાફાશ થયો છે

નવાબ મલિકે આર્યન ખાનના જામીનના વિગતવાર આદેશના કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. નવાબ મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હાઈકોર્ટને આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. આર્યન ખાનની વોટ્સએપ ચેટ ક્રાઈમ પ્લાનિંગના કોઈ પુરાવા આપતી નથી. આર્યન ખાન પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટ પાસેથી નજીવી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બધુ મળીને આવું કોઈ પ્લાનિંગ કરવાનો કોઈ આધાર નથી.

આર્યનની ચેટમાંથી કોઈ પણ પ્રકારના કાવતરાના કોઈ પુરાવા મળ્યા નથી. એવા કદાચ જ ક્યાંય કોઈ પુરાવા મળ્યા છે કે ગુનો કરવા માટે કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હતું.’ એટલે કે આર્યન ખાન કેસ બનાવવામાં આવ્યો હતો. વસુલી માટે આર્યન ખાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. હવે આ છેતરપિંડીનો પર્દાફાશ થઈ ગયો છે.

(11:08 pm IST)