Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોબાઇલનો ઉપયોગ નહી કરવા દેતા યુપીમાં ૩ વર્ષમાં ૩૫૦૦ બાળકો ભાગ્યા

શરૂઆતમાં 'છુટ'આપી બાદમાં ટપારતા ઘરને રામ રામ

લખનૌ તા.૨૦: કુમળી વયનાં બાળકોને મોબાઇલની કેવી ઘેલછા લાગી છે તેનો ઉત્તર  પ્રદેશના બાળ કલ્યાણ કમીટીના એક રીપોર્ટ ઉપરથી અંદાજ આવે છે. ઘરેથી ભાગેલા અને બાદમાં મળી આવેલા ૫૪૦૦ બાળકોમાંથી ૩૫૦૦ બાળકોએ કમીટી સમક્ષ જણાવ્યુ હતુ કે મા-બાપ મોબાઇલનો ઉપયોગ કરવા દેતા ન હોય તેઓ ઘરેથી ભાગ્યા હતા.

પત્રિકાના પ્રતિનિધીને ઉત્તરપ્રદેશના બાળ કલ્યાણ સમિતિની સભ્ય સુધા રાનીએ જણાવ્યુ હતુ કે પાછલા ત્રણ વર્ષના આંકડાઓ મુજબ ૫૪૦૦ બાળકોમાંથી ૩૫૦૦ બાળકોએ એવુ જણાવ્યુ હતુ કે ઘરે તેમને માતા-પિતા મોબાઇલનો ઉપયોગ કરવા દેતા ન હતા એટલે તેઓએ ઘર છોડ્યુ હતુ.

મોબાઇલનો ઉપયોગ કરવા દેવા માટે જીદ કરતા હતા તો તેમને કમીટીની તપાસમા મોટાભાગના બાળકો મોબાઇલના ઉપયોગ કરવાની ટેવનો શિકાર બનેલા જોવા મળ્યા હતા.

કમિટી સમક્ષ બાળકોએ એવુ પણ જણાવ્યુ હતુ કે શરૂઆતમાં માતા-પિતાએ મોબાઇલથી દૂર ન રાખ્યા પરંતુ મોબાઇલના વપરાશની આદત પડી ગઇ ત્યારે ધમકાવવામાં અને માર પણ ખાવો પડતો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય  સંગઠને મોબાઇલની લતને 'ગેમીંગ ડીસઓર્ડર'માન્યુ છે. અને નોંધ્યુ છે કે મોબાઇલના સતત ઉપયોગથી બાળકો જાડીયાપણુ, જમવામાંથી અરૂચી અને ચીડીયા સ્વભાવનો શિકાર બની જતા હોય છે.

(3:32 pm IST)