Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

સંસદનો સામનો કરવા માટેની મોદીમાં હિંમત નથી : સોનિયા

કોંગ્રેસ કારોબારીમાં સોનિયા ગાંધીના પ્રહારો : આશ્ચર્યજનક કારણો આપીને સંસદનું શિયાળુ સત્ર ટાળી દેવામાં આવ્યું છે : નોટબંધી અને જીએસટીના મુદ્દે પ્રહાર

નવી દિલ્હી,તા. ૨૦ : કોંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધીને આપવા સાથે સંબંધિત પ્રસ્તાવ કારોબારીમાં પસાર થવાના પ્રસંગે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ કોંગ્રેસ કારોબારી સમિતિને સંબોધન કરતા કહ્યું હતું કે, મોદી સરકારના અહંકારના કારણે સંસદીય લોકશાહી વ્યવસ્થાને માઠી અસર થઇ છે. ભાજપ પર સંસદનો સામનો કરવાની હિંમત નથી તેવો આક્ષેપ કરતા સોનિયા ગાંધીએ કહ્યુું હતું કે, વડાપ્રધાન મોદીએ આશ્ચર્યજનક કારણો આપીને સંસદમાં શિયાળુ સત્રને ટાળી દેવાની વાત કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, જો કોઇ લોકશાહીના મંદિર ઉપર તાળા લગાવી દેવાનું કામ કરે છે તો આ ખોટી બાબત છે. ચૂંટણી પહેલા આ બંધારણીય જવાબદારીથી ભાગવા જેવું કામ છે. ચૂંટણી પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નોટબંધીને લઇને સરકાર પર પ્રહાર કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતુ ંકે, એક વર્ષનો ગાળો થઇ ગયો હોવા છતાં તેની અસર હજુ ખતમ થઇ નથી. નોટબંધીથી કોઇ ફાયદા થયા નથી પરંતુ ખેડૂતો, નાના કારોબારી, મહિલાઓ અને દરરોજ મજુરી કરતા લોકોને ચોક્કસપણે ફટકો પડ્યો છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કેટલાક અમીર લોકોને મદદ કરવા માટે અનેક ગરીબ લોકો અને શોષિત લોકો સાથે ચેડા કરવામાં આવી ચુક્યા છે. તેમણે કહ્યું હતુ ંકે, મોદી સંસદમાં લોકોનો સામનો કરવાની સ્થિતિમાં નથી. જીએસટીના ઉત્સવ માટે અડધીરાત્રે સંસદની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ આજે સંસદની અંદર સભ્યોનો સામનો કરવાની તેમની હિંમત નથી.

 

(7:38 pm IST)