Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017


પદ્માવતીને વહેલી મંજુરી અંગેની માંગણી ફગાવાઈ

સેન્સરબોર્ડે તેજી માટેની માંગ ફગાવી

નવીદિલ્હી, તા. ૨૦ :ફિલ્મ પદ્માવતીના સર્ટિફિકેશનની પ્રક્રિયાને ઝડપી કરવા માટેની માંગ કરતી ફિલ્મ નિર્માતાઓની માંગણીને સેન્સર બોર્ડે ફગાવી દીધી છે. કેન્દ્રીય સેન્સરબોર્ડે કહ્યું છે કે, પદ્માવતીની પણ નક્કી કરવામાં આવેલા નિયમો અને અરજીદારોની સંખ્યા મુજબ જ સમીક્ષા કરવામાં આવશે. પદ્માવતી હાલમાં વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. રાજપૂત કર્ણી સેના સહિત વિરોધીઓ દ્વારા ફિલ્મની રજૂઆતને રોકવા માટેની માંગણી હાલના સમયમાં કરવામાં આવી રહી છે. બીજી બાજુ મધ્યપ્રદેશ અને પંજાબ સરકારે રાજ્યમાં પદ્માવતીની રજૂઆત પર પ્રતિબંધ મુકી દીધો છે. મધ્યપ્રદેશ અને પંજાબ સરકારે આ નિર્ણય લીધા બાદ આને લઇને હોબાળો મચે તેવી શક્યતા છે. ઇતિહાસ સાથે ચેડા કરીને આ ફિલ્મ બનાવવામાં આવી છે તેવા આક્ષેપ બાદ પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે, ફિલ્મને મધ્યપ્રદેશમાં રજૂ કરવામાં આવશે નહીં. આ નિર્ણય બાદ પંજાબ સરકારે પણ પ્રતિબંધ લાદી દીધો હતો. ક્ષત્રિય અને રાજપૂત સમાજના લોકો શિવરાજસિંહને મળવા માટે પહોંચ્યા હતા. વિવાદ અકબંધ રહ્યો છે.

 

(7:39 pm IST)