Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

રાજકોટને ર૪ કલાક પાણી આપશુ: છઠીવાર સત્તાનું સુકાન સંભાળશું

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અકિલા કાર્યાલયની મુલાકાતેઃ ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઇ ગઇ છેઃ નથી નીતિ કે નથી નેતાઃ ભાજપના વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યુ છેઃ પ્રચંડ વિજય નક્કી : ભાજપને તમામ વર્ગનો લોખંડી ટેકો પ્રાપ્ત છેઃ ટુંકાગાળામાં રાજકોટને પાયાની અનેક સુવિધાઓ આપવાનો પ્રયાસ કર્યો છેઃ નરેન્દ્રભાઇ-રાહુલની સરખામણી થઇ ન શકેઃ સરકાર લોક તરફી અને ફ્રેન્ડલી સરકાર છે તેથી એન્ટીઇન્કમબન્સી દેખાતી નથીઃ હાર્દિક-અલ્પેશ અને જીજ્ઞેશની ચાલ ઉઘાડી પડી ગઇઃ લોકો મોરલ આધારીત રાજનીતિ ઇચ્છે છેઃ ભાજપ ૧પ૦ પ્લસ બેઠકો મેળવશે

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અકિલાના આંગણે : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ઉમેદવારી પત્ર નોંધાવ્યા બાદ આત્મીય સંબંધ નાતે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને ઉમળકાભેર આવકારતા અકિલા મોભી કિરીટભાઇ ગણાત્રા પ્રથમ તસ્વીરમાં દેખાય છે. બીજી તસ્વીરમાં અકિલાના એડીટર અજીતભાઇ ગણાત્રા મુખ્યમંત્રીને વેલકમ કરતા નજરે પડે છે તે પછી તસ્વીરમાં અકિલાની પરંપરા અનુસાર મુખ્યમંત્રી તિલક અને ફુલહારથી સ્વાગત કરતા અકિલા પરિવારના ધન્વી નિમિષભાઇ ગણાત્રા દ્રષ્ટિગોચર થાય છે. બાજુમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર નિમિષભાઇ ગણાત્રા નજરે પડે છે. તે પછીની તસ્વીરમાં મુખ્યમંત્રી અકિલા કાર્યાલયમાં પ્રવેશી રહેલા દેખાય છે. તે પછીની તસ્વીરમાં તેઓ અકિલાની આવૃતિ રસપુર્વક વાંચતા દેખાય છે. અંતિમ તસ્વીરમાં ગણાત્રા પરિવાર સાથે મુખ્યમંત્રીએ તસ્વીર પડાવી હતી તેમાં સાથે અકિલાના પત્રકારો શૈલેષ દવે અને ઉદય વેગડા પણ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.ર૦ : લોકશાહીના સૌથી મોટાપર્વની ઉજવણી માટે ગુજરાત હાલ ગળાડુબ છે. સમગ્ર ગુજરાત આજે ચૂંટણીમય બન્યુ છે. દેશના વડાપ્રધાન મોદી અને સત્તારૂઢ ભાજપના અધ્યક્ષ શાહના ગૃહરાજય ગુજરાતમાં ચૂંટણી હોવાથી આ વખતે દેશ-વિદેશના લોકોને જ નહી પરંતુ વિશ્વના મીડીયાની નજર પણ ગુજરાતની ચૂંટણી ઉપર કેન્દ્રીત થઇ છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પુર્વેના સેમીફાઇનલ સમી આ ચૂંટણી રાજકોટના જ વતની અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં લડવામાં આવી રહી છે. ભાજપને છઠ્ઠી વખત સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન કરવાની મોટી જવાબદારી તેમના શીરે છે. સંવેદનશીલ સરકારના વડા તરીકે તેમણે એક થી દોઢ વર્ષના ટુંકાગાળામાં અનેકવિધ નિર્ણયોની હારમાળા સર્જીને એક કામ કરતી સરકાર, કોમનમેનની સરકાર, ગરીબોની-પછાતોની સરકાર, સંવેદનશીલ સરકાર તરીકેની છાપ ઉભી કરી છે. તેમણે રાજકોટના પીવાના પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલ્યો છે, રાજકોટને આંતરરાષ્ટ્રીય સમકક્ષ એરપોર્ટની મંજુરી અપાવી છે, રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-મોરબી હાઇવેનું વિસ્તૃતીકરણ કરવાનુ કામ શરૂ કરાવ્યુ છે એટલુ જ નહી તેમણે પુરપ્રકોપ વખતે પુરપીડીતોની વચ્ચે જઇને પાંચ દિવસ સરકાર ચલાવી હતી એવા સીએમ એટલે કે કોમનમેન ગણાતા વિજયભાઇ રૂપાણીએ આજે રાજકોટ (પશ્ચિમ) બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ તરત જ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એડીટર અજીતભાઇ ગણાત્રા, અકિલા વેબ આવૃતિના એકઝીકયુટીવ એડીટર નીમીષભાઇ ગણાત્રા સાથે ગુજરાતની ચૂંટણી, ગુજરાતનો રાજકીય માહોલ, ગુજરાતમાં ભાજપનો કઇ રીતે વિજય થશે, કયા મુદા મુખ્ય થશે, ચૂંટણી ઢંઢેરો કયા પ્રકારનો હશે એ બાબતને લઇને ઉંડાણપુર્વક ચર્ચા-વિચારણા કરી હતી. આ મુલાકાત વેળાએ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ઉપરાંત પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, સીનીયર કોર્પોરેટર નીતિનભાઇ ભારદ્વાજ સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અકિલા કાર્યાલયની મુલાકાત વેળાએ જણાવ્યુ હતુ કે, આ ચૂંટણીમાં લોકોએ નક્કી કરવાનું છે કે, તેઓને સ્થિરતા જોઇએ છે ? કે પછી અરાજકતા જોઇએ છે ? વિકાસ જોઇએ છે ? કોંગ્રેસે જે આઉટસોર્સીંગ કર્યુ છે તેનાથી અરાજકતા ફેલાય તેવી શકયતા છે. જો લોકોને અરાજકતા જોઇતી હોય, અશાંતિ જોઇતી હોય તો જ કોંગ્રેસને સ્વીકાર્ય કરી શકાય. કોંગ્રેસ આજે ઉઘાડી પડી ગઇ છે. લોકોએ અરાજકતા અથવા વિકાસ એ બે માંથી એકની પસંદગી કરવાની છે.

મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની અકિલા કાર્યાલયની મુલાકાત વેળાએ હિંસક વાતાવરણ અંગેના સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, ચૂંટણી દરમિયાન કોઇ ધાંધલ-ધમાલ નહી થાય, ચૂંટણી પંચ કડક હાથે કામ લેશે, હિંસા થવાની શકયતા નથી, ગુજરાતી લોકો હિંસા પસંદ કરતા નથી. થોડા પ-રપ લોકો હિંસા કરતા હોય પણ તેઓની સામે ચૂંટણી પંચ કાયદાકીય હથોડો પછાડશે, કોઇને કાયદો હાથમાં લેવામાં નહિ દેવાય.

એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આજે સવારે હું આજીડેમ ગયો હતો અને ત્યાં નર્મદા ડેમના વધામણા કર્યા હતા. આજીડેમમાં પાણી હિલોળા લેતુ લઇ હું ખુબ ખુશ થયો હતો. રાજકોટની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. દર વખતે ડિસેમ્બરમાં આજીડેમ ખાલી હોય તેના બદલે દુરથી નર્મદાનું પાણી લાવી ડેમ ભરી દીધો છે. રાજકોટમાં પાણીની સમસ્યા હવે ભુતકાળ બની છે. હું પ્રજાને કહેવા માંગુ છું કે મારી ઇચ્છા રાજકોટની બહેનોને ર૪ કલાક પાણી આપવાની છે. જો કે તે મીટર આધારીત હશે. છેલ્લા એક વર્ષમાં અમે રાજકોટની પાયાની જરૂરીયાતો પુરી કરવા પ્રયાસ કર્યો છે. આવનારા દિવસોમાં એ બાબતે પગલા ભરવામાં આવશે કારણ કે હવે પાણીનો સોર્સ મળી ગયો છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગેના સવાલના જવાબમાં વિજયભાઇએ કહ્યુ હતુ કે, વિકાસ એ જ ભાજપના કેન્દ્ર સ્થાને છે, વિકાસ આધારીત ચૂંટણી ઢંઢેરો હશે, સર્વ સ્પર્શી-સર્વવ્યાપી ચૂંટણી ઢંઢેરો હશે. જેમાં બધા સમાજ, બધા વર્ગો, એક સમતુલીત વિકાસ, શહેરો, ગ્રામીણ, દરિયાઇ પટ્ટીનો વિકાસ એ બધી બાબતનો સમાવેશ હશે. ચૂંટણી પ્રચાર અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાસે કેડર નથી, ભાજપ પાસે કેડર છે. ભાજપ પાસે લાખો કાર્યકરોની તાકાત છે, ભાજપ પાસે ગ્લોબલ નેતા નરેન્દ્રભાઇ મોદી છે. નેતૃત્વ પણ ભાજપ પાસે મોટુ છે. સૌ નરેન્દ્રભાઇ અંગે પુછી રહ્યા છે કે તેઓ કયારે આવશે, તેઓ આવીને ફટકાબાજી શરૂ કરશે. તેથી ભાજપ પાસે મહાન નેતૃત્વ છે. કોંગ્રેસ ખત્મ થઇ ગઇ છે. ભાજપ આ વખતે સિકસર મારવાની છે. ભાજપ છઠ્ઠી વખત સત્તાનું સિંહાસન સંભાળવાનુ છે. રાજયસભાની ચૂંટણી પછી કોંગ્રેસ ભલે તમાચો મારી ગાલ લાલ રાખતી હોય પરંતુ કોંગ્રેસને સતત ફટકા લાગ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી નીકળી ગયા છે. અનેક લોકો કોંગ્રેસને રામ-રામ કરી ચુકયા છે. કોંગ્રેસમાં મોટી ફાટફુટ પડી છે. ૧૪ મોટા નેતાઓ-ધારાસભ્યો ભાજપમાં આવી ગયા છે એ બધુ અમારી તરફેણમાં છે. કોંગ્રેસ પાસે નેતા નથી, તેની હાલત કફોડી છે. નરેન્દ્રભાઇ અને રાહુલ ગાંધીની સરખામણી થઇ જ ન શકે. એ સંજોગોમાં નેતા કે નીતિ બધી બાબતમાં અમે આગળ છીએ.

તેમણે કહ્યુ હતુ કે, નેતા નિયત અને કેડરમાં ભાજપ આગળ છે. તેમણે ઉમેર્યુ હતુ કે, ભાજપ સરકાર એ લોક તરફી ફ્રેન્ડલી પીપલ રીતે ચાલે છે કયાંય સત્તા વિરોધી લહેર દેખાતી નથી. લોકો વચ્ચે સરકાર જાય છે, નાના કાર્યકરોની આ સરકાર છે. ફ્રેન્ડલી સરકાર છે તેથી એન્ટીઇન્કમબન્સી દેખાતી નથી.

ત્રિપુટીની કોઇ અસર પડશે કે નહી એવા સવાલના જવાબમાં વિજયભાઇએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને અસર પડશે, ત્રિપુટીએ સમાજના નામે રાજનીતિ ઘડી છે, ગમે તે ભોગે અનામત આપવાના દાવા થયા હતા, અનામત અંગે કોંગ્રેસ બોલતી નથી છતાં કોંગ્રેસને મદદ કરે છે. એ બધાની સત્તા ભુખ છતી થઇ છે. બધા ઉઘાડા પડી ગયા છે. અલ્પેશે જાહેરમાં કહ્યુ હતુ કે, હું ચૂંટણી લડવાનો નથી, રાજનીતિમાં નહી જાઉ, હું દારૂબંધી માટે આવ્યો છું હવે તેને ચૂંટણી લડવી એ બધાની વિશ્વસનીયતા રહી નથી અને એ બધા ઉઘાડા પડી ગયા છે. આ બધાને લોકો નકારી કાઢશે અને કોંગ્રેસને આઉટસોર્ર્સીંગ ભારે પડશે અને કોંગ્રેસ સાફ થઇ જશે. લોકો મોરલ આધારીત રાજનીતિ ઇચ્છે છે અને તેથી ભાજપને પસંદ કરશે લોકો. આ બધા દ્રશ્યો લોકો જોઇ રહ્યા છે. આ બધાને કારણે કોંગ્રેસ સાફ થઇ જશે.

એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, ભાજપના લાખો કાર્યકરો છે બધાને સેવા કરવાની તક જોઇએ છે તેથી ચૂંટણી લડવાની ઇચ્છા રાખે છે પરંતુ બધાને ટીકીટ આપી શકાય નહી. પરિવાર મોટો હોય કજીયો થોડો થાય પરંતુ તે દુર થઇ જશે.

(7:23 pm IST)