Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ેભાજપે મહિલાને પાર્ટી અધ્યક્ષાં બનાવ્યા નથી : અશોક ગેહલોત

યુપીમાં ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપશે કોંગ્રેસ : મહિલાઓને ટિકિટના પ્રિયંકાના નિર્ણયને આવકારી મહિલા સશક્તિકરણ મુખ્ય એજન્ડા હોવાનો દાવો કરતા ગેહલોત

જયપુર, તા.૨૦ : ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસે ૪૦ ટકા ટિકિટો મહિલાઓને આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરેલી જાહેરાત પ્રમાણે ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ ટકા મહિલા ઉમેદવારોને ઉતારશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ આ બહાને તેમણે ભાજપ પર કટાક્ષ પણ કર્યો હતો.

ગેહલોતે કહ્યું હતું કે,  યુપીમાં ૪૦ ટકા ટિકિટ મહિલાઓને આપવાનો પ્રિયંકા ગાંધીનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. કોંગ્રેસે દેશને મહિલા રાષ્ટ્રપતિ અને મહિલા વડાપ્રધાન આપ્યા છે. પરંતુ ભાજપે આજ સુધી કોઈ મહિલાને પાર્ટીના અધ્યક્ષ પણ નથી બનાવ્યા. ગેહલોતે દાવો કર્યો હતો કે, મહિલા સશક્તિકરણ દેશી સૌથી જૂની પાર્ટીનો એજન્ડા રહ્યો છે. આ સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે, ભાજપની મહિલાવિરોધી વિચારધારાના કારણે જ યુપીમાં મહિલાઓ અસુરક્ષિત છે.

ગેહલોતે જણાવ્યું કે, 'મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ અપાવવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાજપની મહિલા વિરોધી વિચારધારાનું જ પરિણામ છે કે યુપીમાં મહિલાઓ અસુરક્ષિત છે, પરંતુ પ્રદેશમાં મહિલા સશક્તિકરણ દ્વારા કોંગ્રેસ ભાજપના આ કુશાસનને ખતમ કરશે.

(7:49 pm IST)