Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ઓનલાઇન ઠગ ગેંગ ઝડપાઈઃ મુકેશ અંબાણી નામ રાખ્યું

પાકિસ્તાની ગેંગ સાથે જોડાયા હતા : દેશભરમાં કરોડોનો ચુનો લગાડ્યો : લાખોની મત્તા કબ્જે

બિલાસપુર : છત્ત‌િસગઢની બિલાસપુર પોલીસે પાકિસ્તાની ગેંગ સાથે મળીને સાયબર ગુના કરી રહેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દેશભરના લોકોને લગભગ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ચુકયા છે. પકડાયેલા આરોપીઓ રીવા, દેવાસ, ઓડિશા અને મુંબઇના રેહવાસી છે. પોલીસે તેમની પાસેથી ૪૫ લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે અને જુદા જુદા બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા કબજે કર્યા છે

બિલાસપુરના પોલીસ અધિક્ષક પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, પકડાયેલા આરોપી પાકિસ્તાની એક ગેંગ સાથે મળીને ઓનલાઇન લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેમાં 'ઓપરેશન ૬૫' લગભગ નવ દિવસ ચાલ્યું હતું. આરોપીઓ પાસેથી ત્રણ લેપટોપ, ૧૩ મોબાઇલ, ૧૫ લાખ રૂપિયા રોકડ, એટીએમ કાર્ડ, પાસબુક અને જુદા જુદા બેંક એકાઉન્ટ્સ ના નંબર, ઉપરાંત ૨૭ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ૪૨ લાખ રૂપિયા કબ્જે કર્યા છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જયારે બિલાસપુરના ફરિયાદી જનકરામ પટેલે કોતવાલી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૨૦ થી ઓગસ્ટ ૨૦૨૦ ની વચ્ચે પાકિસ્તાની નંબર પરથી ફોન અને વોટ્સએપ મેસેજીસ આવ્યા હતા. આ સમય દરમિયાન આરોપીએ તેમનું નામ મુકેશ અંબાણી રાખ્યું હતું. આરોપીએ પીડિતને ૨૫ લાખ રૂપિયાનો લકી ડ્રો જીતવાની વાત કરી હતી અને સાથે જ કેબીસીમાં બે કરોડ રૂપિયા જીતવાની લાલચ આપી હતી.

(12:49 pm IST)