Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અલાસ્કાના કાંઠે ૭.૫ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીના મોજા ઉછળ્યા

સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. લોકોને ઊંચાઈના સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું

અલાસ્કા,તા. ૨૦: અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે સુનામીનો ખતરો પણ આવી ગયો છે. અલાસ્કાના કાંઠે પહેલા ૭.૫ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેના કારણે લોકો સલામત સ્થળોએ રવાના થયા હતા. ભૂકંપ દરમિયાન કેટલાક સ્થળોએ ૧.૫ થી ૨ ફૂટ ઊંચાઈની સુનામીના મોજા પણ ઉછળતા જોવા મળ્યા હતા. બાદમાં ચેતવણીને એડવાઈઝરીમાં ફેરવી દીધી હતી.

આ ભૂકંપ સેન્ડ પોઇન્ટ શહેરથી ૯૪ કિમી દૂર જમીનથી ૪૧ કિમી નીચે હતો. કેનેડી પ્રવેશથી યુનિમેક પાસ તરફ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. નેશનલ ઓશિયોનિક એન્ડ એટમોસ્ફીરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ જણાવ્યું હતું કે સાંજના પાંચ વાગ્યે (ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ) ૭.૫ની તીવ્રતાનો આંચકો લાગ્યા હતો. તીવ્રતા પાછળથી અપગ્રેડ કરવામાં આવી હતી. અલાસ્કા ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર, પ્રથમ કંપન પછી વધુ બે આંચકા અનુભવાયા, જેની તીવ્રતા ૫થી વધુ હતી.

૩ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મેસેજ દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. નેશનલ વેધર સર્વિસે લોકોને ચેતવણી આપી છે કે શકિતશાળી મોજાઓ અને પ્રવાહ તેમના નજીકના દરિયાકાંઠે અસર કરી શકે છે. લોકોને જોખમની ચેતવણી આપીને કિનારેથી દૂર રહેવા અને ઊંચાઈના વિસ્તારમાં જવાનું પણ કહેવામાં આવ્યું હતું.

આ પછી લોકો સલામત સ્થળોએ જવા રવાના થયા હતા. સુનામીના નાના મોજા સેન્ડ પોઇન્ટના કેટલાક સ્થળોએ જોવા મળ્યા હતા. જો કે, NOAAએ બાદમાં ચેતવણીને સલાહમાં ફેરવી દીધી હતી. આ સાથે જાણ કરવામાં આવી હતી કે સુનામીના મોજાને કારણે વધારે નુકસાન થવાની સંભાવના નથી.

(11:32 am IST)