Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પિતા વૃદ્ઘ હોવાથી દીકરીએ સંભાળી ઘરની જવાબદારીઃ શરૂ કર્યું મેલ સલૂન

સસ્મિતા નામની આ ૨૪ વર્ષીય યુવતી સલૂન ચલાવે છે. તે શેવિંગથી લઈને મૂછની અલગ-અલગ સ્ટાઈલ, ફેશિયલ, બ્લીચ, ફેસ વોશની બાબતે ખૂબ જ હોશિયાર છે

ભુવનેશ્વર,તા. ૨૦: શું તમે કયારેય એવું સાંભળ્યું છે કે કોઈ યુવતી મેલ સલૂન ચલાવતી હોય. સામાન્યરીતે એવું જોવા મળે છે કે ફીમેલ સલૂન અથવા પાર્લરમાં પુરુષો કામ કરતા હોય છે. પરંતુ, આજ સુધી મેલ સલૂનમાં કોઈ યુવતી કામ કરતી જોવા મળી નથી. પણ, ઓડિશાની ૨૪ વર્ષીય યુવતી એક સલૂન ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે.

સસ્મિતા નામની આ ૨૪ વર્ષીય યુવતી સલૂન ચલાવે છે. તે શેવિંગથી લઈને મૂછની અલગ-અલગ સ્ટાઈલ, ફેશિયલ, બ્લીચ, ફેસ વોશની બાબતે ખૂબ જ હોશિયાર છે. કુલ ત્રણ બહેનોમાં સસ્મિતા સૌથી નાની છે. આજથી ૮ વર્ષ પહેલા તેણે હાઈવે નજીક સલૂન શરૂ કર્યું હતું.

તેના પિતાની ઉંમર ૫૫ વર્ષ છે. સસ્મિતાએ મેટ્રિક પછી અભ્યાસ છોડી દીધો હતો. અને નાની ઉંમરમાં જ તેણે પરિવારની જવાબદારી ઉઠાવી લીધી હતી. તેણે જણાવ્યું કે ૧૦ વર્ષ પહેલા માતાનું નિધન થયું હતું અને બાદમાં દાદાનું પણ નિધન થઈ ગયું. પિતાની વધારે ઉંમર હોવાને કારણે તેણે હવે પરિવારની જવાબદારી ઉઠાવી છે.

સસ્મિતાએ જણાવ્યું કે શરૂઆતમાં તેને આ કામમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પહેલા પિતા મદદ કરતા હતા પણ હવે તેમની ઉંમર વધુ હોવાને કારણે સલૂનની જવાબદારી મેં સંભાળી લીધી છે. તેણે જણાવ્યું કે શરૂઆતમાં પુરુષોના હેર કટિંગ કરતી વખતે શરમ આવતી હતી પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી. હાલ તે આ સલૂન ચલાવીને પરિવાનનું પાલન-પોષણ કરી રહી છે. જયારે તેણે આ સલૂન શરૂ કર્યું ત્યારે તેના કઝિને તેને હેર કટિંગ અને શેવિંગની વિવિધ સ્ટાઈલની રીત શીખવાડી હતી.

(11:28 am IST)