Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રિલાયન્સે સ્કાયટ્રાનમાં કર્યું વ્યૂહાત્મક રોકાણ

મુંબઇ તા. ૨૦ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા પર્સનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ્સ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના વિકાસ કરતી અમેરીકામાં સ્થાપવામાં આવેલી વેન્ચર ફંડેડ ટેકનોલોજી કંપની સ્કાયટ્રાન ઇન્ક.માં (સંપૂર્ણ રીતે ડાયલ્યુટેડ આધાર પર) ૧૨.૭ ટકા શેર હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.

રિલાયન્સે સ્કાયટ્રાનમાં આ વ્યૂહાત્મક રોકાણ સ્કાયટ્રાનના તાજેતરમાં જ પૂરા થયેલાં પ્રિફર્ડ સ્ટોક ફાયનાન્સિંગના ભાગ રૂપે કર્યું છે, જેમાં સ્કાયટ્રાનના બોર્ડની મંજૂરીને શરતે વધુ ૨૫ મિલિયન અમેરીકી ડોલરનું રોકાણ કન્વર્ટીબલ નોટ્સના રૂપમાં કરવાનો વિકલ્પ પણ શામેલ છે.

અમેરીકામાં નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને ઇઝરાયેલમાં ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (આઇ.એ.આઇ.) સાથે ભાગીદારી ધરાવતી સ્કાયટ્રાને વૈશ્વિક સ્તરે ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સના અમલ માટે મેગ્નેટીક લેવિટેશન ટેકનોલોજી વિકસાવી છે. સ્કાયટ્રાન ભારત સહિત વિશ્વમાં ૮ પેટેન્ટની મંજૂરી ધરાવે છે અને તેની ૪૦ કરતાં વધારે પેટેન્ટ મંજૂરીની પ્રક્રિયામાં છે. આ ટેકનોલોજી સ્કાયટ્રાન દ્વારા સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ માટે વિકસાવવામાં આવી છે. સૂચિત સ્કાયટ્રાન નેટવર્કમાં પેટેન્ટ ધરાવતી પેસીવ મેગ્નેટીક લેવિટેશન ટેકનોલોજી પર ચાલતા કમ્પ્યુટર નિયંત્રિત પેસેન્જર્સ પોડ્સનો સમાવેશ થાય છે અને તેમાં અત્યાધુનિક આઇ.ટી., ટેલિકોમ, આઇ.ઓ.ટી. (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ), અને એડવાન્સ મટીરીયલ્સ ટેકનોલોજીનો ઉપયોગ મુસાફરોના ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને સાનુકૂળ અને પોષણક્ષમ રીતે પરિવહન માટે કરવામાં આવશે.

ભારતમાં એકસકલુઝીવ ભાગીદારીના ઉદ્દેશ્ય સાથે રિલાયન્સે સ્કાયટ્રાનમાં રોકાણ કર્યું છે, જેમાં કંપની સ્કાયટ્રાન સાથે તેના પાયલોટ પ્રોજેકટને તૈયાર કરવામાં અને પછીથી ભારતમાં વિશાળ સ્તર પર તેના નેટવર્કના અમલીકરણ માટે સાથે મળીને કાર્ય કરશે. રિલાયન્સ ટેલિકોમ (4G/5G/ગીગાફાયબર), ડિજીટલ પ્લેટફોર્મ એન્ડ સર્વિસીસ, એડવાન્સ્ડ મટીરીયલ અને ઇલેકટ્રીક બેટરીઝ સહિતના સ્કાયટ્રાનના સોલ્યુશન્સને આગળ વધારવા સક્રિય ભૂમિકા નિભાવશે.

રિલાયન્સ સ્કાયટ્રાનના બોર્ડમાં પોતાના એક ડાયરેકટરની પણ નિમણૂક કરશે. પ્રિફર્ડ સ્ટોક ફાયનાન્સિંગમાં ઇન્નોવેશન ઇન્ડેવર્સ, એડમ ન્યૂમેન (વીવર્કના સ્થાપક), ટીમ ડ્રેપર અને અન્ય દ્વારા પ્રમોટ કરવામાં ફંડો સહિતના વૈશ્વિક સ્તરે નામના ધરાવતા પ્રતિષ્ઠિત રોકાણકારોએ ભાગ લીધો હતો.

આ સોદા અંગે વાત કરતાં રિલાયન્સ જિયોના ડાયરેકટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, સ્કાયટ્રાન સાથેની અમારી ભાગીદારી ભવિષ્યની ટેકનોલોજીમાં રોકાણ કરવાની અમારી પ્રતિબધ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારતમાં સ્કાયટ્રાનના વિકાસને વેગ આપવા માટે રિલાયન્સ તેના વર્તમાન વ્યાવસાયિક પોર્ટફોલિયો અને ક્ષમતાઓનો ઉપયોગ કરવાની સુદૃઢ સ્થિતિમાં છે.

સ્કાયટ્રાનના સ્થાપક અને સી.ઇ.ઓ. જહોન કોલે દ્વારા જણાવાયું હતું કે, રિલાયન્સ સાથે કામ કરવા અંગે અમે ખૂબ જ ઉત્સુક છીએ. રિલાયન્સ વિશાળ માળખાકીય સુવિધાઓ અને તકનીકી નિપુણતા અને વિશાળ ફલક પર અમલીકરણી ક્ષમતા ધરાવે છે. અમને વિશ્વાસ છે કે રિલાયન્સ સાથેની અમારી ભાગીદારી ભારત અને સમગ્ર વિશ્વમાં લોકોના જીવનને સુધારવા માટેની ક્ષમતા ધરાવે છે.

રિલાયન્સના કાનૂની સલાહકાર તરીકે કોવિંગ્ટન એન્ડ બર્લિંગ એલ.એલ.પી. તથા સ્કાયટ્રાનના કાનૂની સલાહકાર તરીકે વિલ્સન સોનસિની ગૂડરીચ અને રોસાટી હતા.(૨૧.૧૫)

 

(3:51 pm IST)