Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, દેશનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

તટીય અને દક્ષિણ કર્ણાટક, કેરળ અને તામિલનાડુ, પોંડીચેરીમાં અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી

નવી દિલ્હી તા. ૨૦ : હવામાનમાં એકાએક પલટો આવવાની સાથે દેશનાં કેટલાંય વિસ્તારમાં વરસાદની શકયતા વધી ગઇ છે એટલું જ નહીં, રાત્રીના તાપમાનમાં પણ ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્યિમ મોન્સૂન આજથી સંપૂર્ણપણે વિદાય લેશે અને ઉત્તર-પશ્ચિમ મોન્સૂન જોર પકડી રહ્યું છે અને તેનાં કારણે જ દેશનાં કેટલાક વિસ્તારના હવામાનમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે.

આ બદલાવના પગલે જમ્મુ-કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઇ છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફુંકાવાનો અને તાપમાનમાં ઘટાડો થવાના સંકેતો મળી રહ્યા છે. દક્ષિણ ભારતના કેટલાય વિસ્તારમાં ૪૮ કલાકમાં ભારે વરસાદ થવાની શકયતા છે.

તટીય અને દક્ષિણ કર્ણાટક, કેરળ અને તામિલનાડુ, પુડુચેરીમાં અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જયારે મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તોફાન આવવાની શકયતા છે. આંદામાન અને નિકોબાર, જમ્મુ-કાશ્મીર, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. એક દિવસ પૂર્વે મહત્ત્।મ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્શિયસ સાથે રાજસ્થાનનાં કેટલાક વિસ્તારો સૌથી ગરમ રહ્યા હતા.

જયારે ઉત્તરાખંડનું પંતનગર ૧૩.૧૭ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું. હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષા થવાના એંધાણ છે. આગામી ૪૮ કલાકમાં રાજયના કેટલાય વિસ્તારના તાપમાનમાં ઘટાડો થશે. વરસાદ સાથે હિમવર્ષાની શકયતા છે.

(3:44 pm IST)