Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પત્રકાર જમાલ ખશોગીનું મોત થઇ ચુકયું છે

સાઉદી અરબનો સ્વીકાર

રિયાધ તા. ર૦ :.. ચારે તરફના દબાણ અને લગભગ બે સપ્તાહ સુધી ઇન્કાર પછી છેવટે સાઉદી અરબે માન્યું છે કે ગુમ થયેલ પત્રકાર જમાલ ખશોગીનું મોત થઇ ચુકયું છે. સાઉદી અરબના એટર્ની જનરલ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સાઉદી અરબના ઇસ્તબુલમાં આવેલ દુતાવાસમાં એક ઝડપમાં ખશોગીનું મોત થયું છે.

જો કે એટર્ની જનરલે કહયું કે હજી તપાસ ચાલી રહી છે. આ બાબતે સાઉદી અરબના કુલ ૧૮ લોકોની ધરપકડ કરાઇ છે. સાથે જ ડેપ્યુટી ઇન્ટેલીજંસ ચીફ અહમદ અલ અસીરી અને પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના કાનુની સલાહકાર અલ કથાનીને સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ખશોગી બે ઓકટોબરે દૂતાવાસમાં પ્રવેશ્યા પછી જોવામાં નહોતા આવ્યા. તુર્કીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ૧પ સાઉદી એજન્ટોએ દૂતાવાસમાં ખશોગીની હત્યા કરી અને તેના શરીરના ટૂકડે ટૂકડા નાખ્યા. જમાલ ખશોગી સાઉદી અરબના વતની હતા અને વોશીંગ્ટન પોસ્ટમાં લખતા હતાં.

આ મામલે અમેરિકાએ પણ તીખી પ્રતિક્રીયા વ્યકત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકાર જમાલ ખશોગીના રહસ્યમય પરિસ્થિતીઓમાં ગુમ થવા બાબતે રીપોર્ટ માંગ્યો હતો. (પ-૯)

(11:36 am IST)