Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમૃતસર દુર્ઘટના : આ તો 'સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો' : કાર્યક્રમની મંજૂરી લેવાઇ નહતી -રેલવે

'ત્યાં ખૂબ ધુમાડો હતો, જેના કારણે ડ્રાઇવર કઇ પણ જોવામાં સક્ષમ નહતો અને ગાડી વળાંક ઉપર પણ હતી'

નવી દિલ્હી તા. ૨૦ : દશેરાના અવસરે અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. આ અંગે રેલવે ઉપર પણ અનેક આરોપો મૂકાઈ રહ્યાં છે. જો કે રેલવેનું કહેવું છે કે પૂતળા દહનને જોવા માટે આવેલા લોકોનું ત્યાં પાટા ઉપર ભેગા થવું એ 'સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો' હતો અને આ કાર્યક્રમ માટે રેલવે પાસે કોઈ મંજૂરી લેવામાં આવી નહતીં.

અમૃતસર પ્રશાસન પર આ દુર્ઘટનાની જવાબદારી નાખતા અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં એક વરિષ્ઠ મંત્રીના પત્ની પણ સામેલ હતાં. રેલવે અધિકારીઓએ કહ્યું કે 'અમને આ અંગે કોઈ જાણકારી અપાઈ નહતી અને અમારા તરફથી કાર્યક્રમને કોઈ મંજૂરી અપાઈ નહતી. આ સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો છે અને સ્થાનિક પ્રશાસને તેની જવાબદારી લેવી જોઈએ.'

આટલી ભીડ હોવા છતાં ટ્રેન ડ્રાઈવરે ગાડી ન રોકી તેના ઉપર ઉઠેલા સવાલો પર અધિકારીએ કહ્યું કે 'ત્યાં ખુબ ધુમાડો હતો, જેના કારણે ડ્રાઈવર કઈ પણ જોવામાં સક્ષમ નહતો અને ગાડી વળાંક ઉપર પણ હતી.'

ઉલ્લેખનીય છે કે પંજાબમાં અમૃતસર પાસે શુક્રવારે સાંજે રાવણ દહનના કાર્યક્રમને જોવા માટે લોકો રેલવેના પાટા પાસે ઊભા હતાં ત્યારે પૂરપાટ ઝડપે આવી ટ્રેનની ચપેટમાં આવી જતા ૬૦થી વધુ લોકોના દર્દનાક મોત થયા છે. જયારે ૭૨ જેટલા લોકો ઘાયલ છે. ટ્રેન જલંધરથી અમૃતસર જઈ રહી હતી અને ત્યારે જ જોડા ફાટક પર આ દુર્ઘટના ઘટી. ઘટના ઘટી ત્યારે ત્યાં ૩૦૦ જેટલા લોકો હાજર હતાં. જે પાટાની નજીકના મેદાનમાં રાવણ દહન જોઈ રહ્યાં હતાં.(૨૧.૫)

(10:06 am IST)