Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અલવર જિલ્લામાં એક હચમચાવી દેતી ખૌફનાક ઘટના સામે આવી

હે રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ ૩ વર્ષની દીકરી પટકીઃ માસૂમનું મોત

તાલિબાની વિચારધારા ધરાવતા એક યુવકની છે : તેની પત્નીએ ઘૂંઘટ ન કાઢવા પર તે ગુસ્સે ભરાયો હતો અને તેનાં ગુસ્સાનો ભોગ તેની ત્રણ વર્ષની માસૂમ દીકરી બનીઃ તેણે બાળકીને માતાનાં હાથમાંથી છીનવી તેને જમીન પર પટકી મારી હતી : જેનાંથી માસૂમનું મોત થઇ ગયુ

અલવર,તા.૨૦: રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં બહરોડ વિસ્તારમાં એક યુવકની તાલિબાની વિચારધારા સામે આવ્યો છે. અહીં યુવકે પત્નીએ ઘૂંઘટ ન કાઢવાને કારણે ગુસ્સે ભરાઇને ત્રણ વર્ષની માસૂમ દીકરીને પટકીને મારી. જેને કારણે બાળકીનું મોત થઇ ગયું. આ તાલિબાની વિચારનો અહીં જ અંત નથી આવતો. પરિવારે બાદમાં ગુપચુપ દીકરીનાં અંતિમ સંસ્કાર કરી દીધા. જે બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો.આ સંબંધે પત્નીએ પતિ વિરુદ્ઘ કેસ દાખલ કરાવ્યો છે. જે બાદ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી આરોપી પિતાનો કોઇ જ સુરાગ હાથ લાગ્યો નથી. પોલીસ તેમની તપાસ કરી રહી છે.

બહરોડ થાના અધિકારી પ્રેમ પ્રકાશે આ અંગે માહિતી આપી છે કે, આ હચમાચાવી નાખનાર ખૌફનાક ઘટના ગાદોજ ગામમાં મંગળવારે બની હતી. આ ઘટનામાં મોનિકા યાદવે રિપોર્ટ દાખલ કરાવ્યો ચે. મોનિકાએ તેની રિપોર્ટમાં જણાવ્યું કે, તેનો પતિ પ્રદીપ યાદવે તેને ઘૂંઘટ ન કાઢવા બદલ નારાજ થઇ ગયો હતો અને તેણે પત્ની મોનિકા સાથે મારઝૂડ કરી હતી. બાદમાં ત્રણ વર્ષની દીકરી પ્રિયાંશીને પત્ની મોનિકાનાં ખોળામાંથી છીનવી તેને જીમન પર પટકી હતી. જેમાં દીકરીનું ઘટના સ્થળે મોત થઇ ગયુ હતું. આ ઘટના બાદ પ્રદીપ યાદવ ઘટના સ્થળેથી ફરાર છે.

પોલીસ આરોપી વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં લાગી- પોલીસ અનુસાર આ કેસ અહીં જ નથી અટકયો. પણ આોપી પ્રદીપ યાદવે ગુપચુપમાં માસૂમ બાળકીનાં અંતિમ સંસ્કાર કરી દીધા. મોનિકા તરફથી દાખલ કરાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ જયાં આરોપી પ્રદીપ યાદવની તપાસમાં લાગી છે. ત્યાંથી તે પણ તપાસ થઇ રહી છે કે, માસૂમ બાળકીનાં અંતિમ સંસ્કારમાં કોણ કોણ શામેલ થયું હતું. અને તેમનાં વિરુદ્ઘ પણ કેસ કરવામાં આવશે. દીકરીનાં મોત બાદ માતા મોનિકા આઘાતમાં છે. તો જે કોઇ પણ આ ઘટના વિશે વાત કરે છે તે સૌ કોઇ સ્તબ્ધ છે.

(10:14 am IST)