Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળમાં ૮ દિવસ બાદ કોચીથી કોમર્શિયલ ફલાઇટ અને કર્ણાટકથી બસ સેવા શરૂ

અનેક જિલ્લાઓમાંથી રેડ એલર્ટ પાછું ખેંચી લીધું: બે દિવસમાં વરસાદની તિવ્રતા ઓછી થઇ ગઇ છે : હાલ ભારે વરસાદની આશંકા નથી

કોચી તા. ૨૦ : કેરળમાં થઇ રહેલા ધોધમાર વરસાદમાં રવિવારના દિવસે ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. આમ છેલ્લા સાત દિવસોમાં વરસાદના કારણે મૃતકોની સંખ્યા ૨૧૦ થઇ છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયનને કહ્યું કે, પુરના કારણે પાણીમાં ફસાયેલા મોટાભાગના લોકોને બચાવી લીધા છે. હવે તેમના પુનર્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પૂર બાદ હવે રાજયમાં મહામારીનો ખતરો વધારે મંડરાઇ રહ્યો છે. જેના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થયું છે. કેરળમાં આઠ દિવસ બાદ કોચીથી કોમર્શિયલ ફલાઇટ્સ શરૂ થવાથી લોકો માટે થોડા રાહતના સમાચાર છે. બીજી તરફ કર્ણાટકથી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે.

આસરે બે સપ્તાહ સુધી સતત વરસાદ બાદ રાજયમાં ભોટાભાગના વિસ્તારોમાં રવિવારે વિરામ લીધો હતો. અનેક જિલ્લાઓમાંથી રેડ એલર્ટ પાછું ખેંચી લીધું છે. રાષ્ટ્રપતિ રામનાધ કોવિંદે કેરળના રાજયપાલ પી. સદાશિવમ અને મુખ્યમંત્રી પિનરાયી વિજયનથી વાત કરી હતી. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેરળમાં આશરે ૧૦૦ વર્ષોમાં આવેલો સૌથી ભયાનક વરસાદ છે.

ભારે વરસાદના કારણે આઠ ઓગસ્ટથી લઇને આત્યાર સુધી ૨૧૦ લોકોના મોત થયા છે. ૨૦ મેના દિવસે રાજયના દક્ષિણ પશ્વિમ ચોમાસું આવ્યા બાદ અત્યાર સુધી આશરે ૪૦૦ લોકોના મોત થયા છે. વરસાદના કારણે ૮૦થી વધારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે પૂર આવ્યું છે. જયારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે. સંપૂર્ણ પણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઇડુક્કી, મલપ્પુરમ અને ત્રિશૂરનો સમાવેશ થાય છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કેરળમાં છેલ્લા બે દિવસમાં વરસાદની તિવ્રતા ઓછી થઇ ગઇ છે. જયારે આગામી ચાર દિવસોમાં ભારે વરસાદની આશંકા નથી. આવી સ્થિતિ વચ્ચે કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે, કેન્દ્ર સરકારે વધારે મદદનું આશ્વાસ આપ્યું છે.

વિજયને કહ્યું કે, રાજયના ૨૨૧ પુલ નષ્ટ થઇ ગયા છે. માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે સૌથી વધારે નુકાસન થયું છે. તેમણે જણાવ્યું કે, અસ્થાઇ રોડનું નિર્માણ કરવામાં આવશે. અફવાઓથી બચવાની પણ તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ખોટા મેસેજ રેસ્કયુ ઓપરેશનને અસર કરે છે.(૨૧.૧૪)

(11:35 am IST)