Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ચોમાસુ અને શિયાળામાં તાપમાન ઘટતા વધી શકે છે કોરોના

તાપમાનમાં ઘટાડો અને શિયાળાના કારણે વાતાવરણ ઠંડું થતાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણ માટેનો સમય અનુકૂળ બની શકે છે

નવી દિલ્હી, તા.૨૦: કોરોના વાયરસના સંક્રમણને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. IIT ભુવનેશ્વર અને AIIMSના સંશોધકોને સંયુકત સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે ચોમાસા અને શિયાળાની ઋતુમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે. આ સંશોધનમાં એવું સામે આવ્યું છે કે વરસાદ, તાપમાનમાં ઘટાડો અને શિયાળાના કારણે વાતાવરણ ઠંડું થતાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણ માટેનો સમય અનુકૂળ બની શકે છે.

IIT ભુવનેશ્વરની સ્કૂલ ઓફ અર્થ, ઓશિયન એન્ડ કલાઈમેટ સાયન્સ વિભાગમાં સહાયક પ્રોફેસર, વી. વિનોજના નેતૃત્વમાં આ સંશોધન કરાયું છે. એપ્રિલ અને જૂન મહિના દરમિયાન ૨૮ રાજયોમાં કોરોના વાયરસનો પ્રકોપ અને આ પ્રકારના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખતા આ સંશોધન કરાયું છે. આ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે તાપમાનમાં વધારો થતા વાયરસનો જે ફેલાવો છે તેમાં દ્યટાડો થાય છે. જયારે ભેજમાં વધારો થતા કોરોના વાયરસના કેસ વધી શકે છે. જેના કારણે ચોમાસામાં કોરોના વાયરસના કેસમાં વધારાની આશંકા છે અને શિયાળામાં તે વધુ ઝડપી વધી શકે છે.

પરંતુ, સંશોધકોએ એવું પણ જણાવ્યું છે કે ચોમાસુ અને શિયાળાની શરૂઆતથી વધારે ભેજના સમયગાળા દરમિયાન આ સંશોધન હાથ ધરાયું નહોતું. માટે, તેનો ચોક્કસ પ્રભાવ સ્થાપિત કરવા માટે વધુ સંશોધન કરવાની જરૂર છે. શિયાળા અને ઉનાળાની ઋતુ વચ્ચે સરેરાશ તાપમાનમાં સાત ડિગ્રી સેલ્સિયસનું અંતર હોય છે. આ સંશોધન અનુસાર શિયાળા દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શકયતાઓ છે.

(11:50 am IST)