Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રાજસ્થાનમાં રાજકીય હુસાપુસી અને સતાની સાઠમારી વચ્ચે મુખ્યમંત્રી ગેહલોત બુધવારે તેનું શકિત પરીક્ષણ કરાવે તેવું અનુમાન

ભવાની સિંહ, જયપુરઃ રાજસ્થાન માં થોડાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે અહેવાલ આવી રહ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોત બહુમત સાબિત કરવા માટે બુધવારે વિધાનસભા સત્ર બોલાવી શકે છે. સૂત્રો મુજબ, અશોક ગહલોત એ શનિવારે સાંજે રાજ્યપાલ કલરાજ મિશ્ર  સાથેની મુલાકાત દરમિયાન 103 ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે. જોકે, રાજભવન તરફથી તેને શિષ્ટાચાર મુલાકાત કહેવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં રાજ્યમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે આ મુલાકાતને અગત્યની માનવામાં આવી રહી છે.

સૂત્રો મુજબ, મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજ્યની હાલના રાજકીય ઘટનાક્રમની જાણકારીથી રાજ્યપાલ કલરાજ મિશ્રને માહિતગાર કર્યા અને સાથોસાથ બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂત્રો મુજબ, બુધવારથી શોર્ટ ટર્મ પર સત્ર બોલાવી શકાય છે, જ્યાં અશોક ગહલોત ગૃહમાં બહુમત સિદ્ધ કરી શકે છે. અશોક ગહલોતે જે 103 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે તેમાં કૉંગ્રેસના 88, બીટીપીના 2, સીપીએમના 2, આરએલડીના 1 અને 1 અપક્ષ ધારાસભ્ય સામેલ છે.

માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને મુખ્યમંત્રી અશોક ગહલોત પોતાની સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળોને હટાવવા માંગે છે. તેની સાથે વ તે 19 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાનો પણ રસ્તો સાફ થશે. આ ધારાસભ્યો વિરુદ્ધ કૉંગ્રેસના મુખ્ય સચેતક (વ્હિપ) મહેશ જોશીની ફરિયાદ બાદ વિધાનસભાના સ્પીકર સીપી જોશીએ અયોગ્યતા નોટિસ જાહેર કરી છે.

નોંધનીય છે કે, આ બળવાખોર ધારાસભ્યોના સભ્યપદ પર રાજસ્થાન હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી થવાની છે. આ પહેલા હાઈકોર્ટે સ્પીકરના બળવાખોર પર નિર્ણય પર મંગળવાર સુધી રોક લગાવી દીધી હતી.

(8:30 am IST)