Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજ્યવાર વસ્તીના આધારે નક્કી થાય લઘુમતીઓનો દરજ્જો

ભાજપના એક નેતા દ્વારા સુપ્રિમ કોર્ટમાં થઇ જનહીતની અરજી : રાષ્ટ્રીય આંકડાને બદલે રાજ્યવાર વસ્તીના આધારે લઘુમતીઓનું નિર્ધારણ કરવા માંગઃ જનહીત અરજી પર સુપ્રિમ કોર્ટે એટોર્ની જનરલ પાસે સહયોગ માંગ્યો : જો સુપ્રિમ કોર્ટ નિર્દેશ આપશે તો અનેક રાજયોની તસ્વીર બદલાઇ જશેઃ જમ્મુ-કાશ્મીર અને પૂર્વોતરના રાજયોમાં હિંદુઓ છે લઘુમતીમાં : યુપી-બિહાર સહિત અનેક રાજયોમાં અસલી લઘુમતીઓ ઉપેક્ષિત રાષ્ટ્રીય આંકડા પર માનવામાં આવેલા લઘુમતીઓ અનેક જગ્યાએ છે બહુમતીમાં

નવી દિલ્હી, તા. ર૦ : સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક જાહેર હિતની અરજીમાં રાષ્ટ્રીય આંકડાના બદલે રાજયવાર વસ્તીના આધાર પર લઘુમતી સમાજ નક્કી કરવાની માંગણી કરવામાં આવી છે. કોર્ટે આ અરજીની સુનાવણીમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલનો સહકાર માંગ્યો છે. આગામી સુનાવણી ૪ અઠવાડીયા પછીની નક્કી કરતા સુપ્રિમે અરજદારને પોતાની અરજીની કોપી એટર્ની જનરલની ઓફીસમાં પહોંચાડવા કહ્યું છે. આ અરજી ભાજપા નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરેલી છે.

અરજીમાં કેન્દ્રની ર૬ વર્ષ જૂની અધિસૂચના કાયદેસરતાને પડકારવામાં આવી છે. આ અધિસૂચનામાં પાંચ સમુદાયો મુસ્લિમ, ઇસાઇ, શીખ, બૌદ્ધ અને પારસીને લઘુમતી જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ અરજીમાં રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ૧૯૯રની કલમ ર(સી) ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી કરાઇ છે. આ અધિનિયમ હેઠળ ર૩ ઓકટોબર ૧૯૯૩ના રોજ આ અધિસૂચના જાહેર કરાઇ હતી.

ઉપાધ્યાયે લઘુમતીની પરિભાષા નક્કી કરવાના દિશા-નિર્દેશો આપવાના આદેશની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે રાજયવાર વસ્તીના આધાર પર લઘુમતી નક્કી કરવામાં આવવી જોઇએ. રાષ્ટ્રીય આંકડાના આધાર પર નહીં. તેમણે અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આવી અધિસૂચના આરોગ્ય, શિક્ષણ, શરણ અને જીવન નિર્વાહના બુનિયાદી અધિકારોનો ભંગ છે.

વકીલે કહ્યું છે કે તે આ જાહેરહિતની અરજી એટલા માટે કરી રહ્યા છે કે તેમને ગૃહ મંત્રાલય, કાયદો અને ન્યાય મંત્રાલય તથા રાષ્ટ્રીય લઘુમતી પંચ તરફથી અરજીનો કોઇ જવાબ નથી મળ્યો.

૧ ૧ ફેબ્રુઆરીએ સુપ્રિમ કોર્ટે ઉપાધ્યાયને લઘુમતી પંચનો સંપર્ક કરવા કહ્યું હતું. કોર્ટે આદેશ આપ્યો હતો કે પંચ ત્રણ મહિનાની અંદર તેમની અરજી અંગે નિર્ણય લેશે. તેમણે રાષ્ટ્રીય આંકડાઓના બદલે રાજયોના આંકડાના આધારે રાજયવાર લઘુમતીઓ નક્કી કરવાની માંગણી કરી હતી.

ઉપાધ્યાયે અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય આંકડાઓ પ્રમાણે બહુમતી હિંદુઓ ઉતર-પૂર્વના કેટલાક રાજયો અને જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી છે. આ રાજયોમાં લઘુમતીઓને મળતા લાભો હિંદુઓને નથી મળતા. રાષ્ટ્રીય લઘુમતી પંચે આ પરિપ્રેક્ષ્યમાં લઘુમતીની પરિભાષા પર ફેરવિચારણા કરવી જોઇએ. અનુચ્છેદ ર૯-૩૦ અનુસાર, લઘુમતીની પરિભાષામાં જે ભૂલ રહી ગઇ છે તે રાજયોના હાથમાં છે. અરજી પ્રમાણે, જે રાજયોમાં હિંદુઓની સંખ્યા ઓછી છે ત્યાં તેને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે. ર૦૧૧ની વસ્તી ગણત્રી અનુસાર, સાત રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિંદુઓ લઘુમતીમાં છે. હિંદુઓ લક્ષદ્વિપમાં ર.પ ટકા, મિઝોરમમાં ર.૭પ, નાગાલેન્ડમાં ૮.૭પ, મેઘાલયમાં ૧૧.પ૩, જમ્મુ-કાશ્મીરમાં ર૮.૪૪, અરૂણાચલમાં ર૯, મણિપુરમાં ૩૧.૩૯ અને પંજાબમાં ૩૮.૪૦ ટકા છે.

જો સુપ્રિમ આ અરજીની તરફેણમાં ચૂકાદો આપશે તો ઘણા રાજયોમાં તસ્વીર બદલી જવાની શકયતા છે.

(11:29 am IST)