Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પત્નીથી પરેશાન પતિઓ પીપળાના ઝાડની ૧૦૮ ઊલટી પ્રદક્ષિણા કરે છે

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અનોખો આશ્રમઃવટ સાવિત્રી વ્રત પૂર્વે પતિઓ આ વિધિ કરે છે, આશ્રમમાં પત્ની પીડિત પુરુષોને કાયદાકીય લડત સંલગ્ન માર્ગદર્શન અપાય છે

(ઔરંગાબાદ, તા.૨૦ :આપણા દેશમાં પતિને ભગવાન તરીકે પણ પૂજનારી મહિલાઓ તમને જોવા મળશે. હાલમાં જ વટસાવિત્રીના વ્રતની પણ ઉજવણી થઈ જેમાં પત્નીઓએ પતિની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરી. આ બધું તો તમને જાણતા જ હશો પરંતુ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હાલમાં જ કઈંક એવું જોવા મળ્યું જે જાણીને તમને નવાઈ લાગશે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પત્ની પીડિત પુરુષોનો એક આશ્રમ છે. વટ સાવિત્રી વ્રતના એક દિવસ પહેલા આ આશ્રમ સાથે જોડાયેલા પતિઓએ પીપળાના ઝાડની ૧૦૮ ઉલ્ટી પ્રદક્ષિણા કરી. રિપોર્ટ્સ મુજબ તેમણે પ્રાર્થના કરી કે આગામી જન્મે તમને આવી પત્ની જરાય ન મળે. આશ્રમના સંસ્થાપક ભરત ફુલારે કહ્યું કે વટ સાવિત્રી વ્રત પર મહિલાઓ વડના ઝાડની પૂજા કરે છે અને સુખી લગ્નજીવન અને સાત જન્મો માટે એક જ પતિ મેળવવાની પ્રાર્થના કરે છે. તેના એક દિવસ પહેલા અહીં એક પીપળાના ઝાડની પૂજા કરી અને પ્રાર્થના કરી કે આવો જીવનસાથી ફરીથી ન મળે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પત્નીથી ખુશ ન રહેતા પતિઓએ એક પત્ની પીડિત આશ્રમ બનાવ્યો છે. ઔરંગાબાદથી લગભગ ૧૨ કિલોમીટર દૂર મુંબઈ-શીરડી હાઈવે પર આ આશ્રમ બનેલો છે. કહેવાય છે કે અહીં પત્ની પીડિત પુરુષોને કાયદાકીય લડત સંલગ્ન માર્ગદર્શન અપાય છે. આ આશ્રમમાં કાગડાની એક પ્રતિમા પણ છે જેની પૂજા થાય છે. રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં ૫૦૦ લોકો અહીંથી સલાહ લઈ ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને શરૃ કરનારા ભરત ફુલારેએ પોતાના અંગત અનુભવ બાદ આ આશ્રમની શરૃઆત કરી હતી. કહેવાય છે કે ભરત ફુલારેની પત્નીએ તેમના પર ઘરેલુ હિંસા કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમના જીવનમાં ખુબ મુશ્કેલીઓ આવી અને કોઈ પણ રીતે કાયદાકીય સલાહ લેવી મુશ્કેલ થઈ ગઈ. ત્યારે તેમને તેમના જેવા કેટલાક લોકો સાથે મળીને કાયદાકીય લડત લડવાનો વિચાર આવ્યો. રિપોર્ટ્સ મુજબ ૨૦૧૬માં આ આશ્રમની શરૃઆત થઈ આશ્રમમાં એન્ટ્રી લેવી પણ એટલી સરળ નથી. તેના માટે પત્ની તરફથી તમારા પર કેસ થયેલા હોવા જરૃરી છે.

(8:31 pm IST)