Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આસામમાં પૂરને કારણે 33 જિલ્લાના 42 લાખ લોકો પ્રભાવિત થયા: 24 કલાકમાં 9 લોકોના મોત થયા

રાજ્યના જુદા જુદા ભાગોમાં છ લોકો ડૂબી ગયા જ્યારે ત્રણ લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા

ગુવાહાટીઃ આસામમાં પૂરે ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થિતિ એવી છે કે અત્યાર સુધીમાં 5 હજારથી વધુ ગામો પૂરમાં ડૂબી ગયા છે. પૂરને કારણે 33 જિલ્લાના 42 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં પૂરે કેટલી તબાહી મચાવી છે તેનો અંદાજ તેનાથી લગાવી લો કે છેલ્લા 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. કોપિલી અને બ્રહ્મપુત્રા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ સિવાય છ અન્ય નદીઓ પણ ભયજનક સપાટી પર વહી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 1.80 લાખ લોકોએ 744 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, રાજ્યના જુદા જુદા ભાગોમાં છ લોકો ડૂબી ગયા જ્યારે ત્રણ લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી આઠ વ્યક્તિઓ ગુમ છે. આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં કુલ મૃત્યુઆંક વધીને 71 થઈ ગયો છે. બરપેટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે જ્યાં 12.76 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે, ત્યારબાદ દરંગમાં લગભગ 3.94 લાખ લોકો અને નાગાંવમાં 3.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.

કછાર, દિમા હસાઓ, ગોલપાડા, હૈલાકાંડી, કામરૂપ મેટ્રોપોલિટન અને કરીમગંજમાં મોટા પાયે ભૂસ્ખલનની જાણકારી સામે આવી રહી છે. શનિવાર સુધીમાં રાજ્યના 27 જિલ્લાઓમાં લગભગ 31 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. મેટ ઓફિસે સોમવાર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જ્યારે મંગળવારથી ગુરુવાર માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક દરમિયાન ગાજવીજ સાથે વ્યાપક વરસાદ અથવા ભારેથી અતિભારે વરસાદ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ચાલુ રહેવાની અને ત્યારબાદ તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે.

ASDMAએ જણાવ્યું કે હાલમાં 5,137 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 1,07,370.43 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. સત્તાવાળાઓ 27 જિલ્લાઓમાં 1,147 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યા છે, જ્યાં 29,722 બાળકો સહિત 1,86,424 લોકો આશ્રય લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 8,760 લોકોને બચાવવામાં આવ્યા છે.

(6:01 pm IST)