Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પીએમના નાનપણનાં યાર એવા અબ્‍બાસભાઇ હાલ ઓસ્‍ટ્રેલિયામાં પોતાના પુત્ર સાથે રહે છે

વડાપ્રધાને પોતાના બ્‍લોગમાં ઉલ્લેખ કર્યો હતો તે :અગાઉ અબ્‍બાસભાઇ ગુજરાત સરકારના અન્‍ન વિભાગમાં ફરજ બજાવતા હતા

નવી દિલ્‍હી, તા.૨૦: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબેન મોદીનો જન્‍મદિવસ હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ગુજરાતના વડનગર સ્‍થિત તેમના ઘરે પહોંચ્‍યા હતા અને માતાના ચરણ ધોઈને આશીર્વાદ પણ લીધા હતા. ત્‍યારબાદ વડાપ્રધાન મોદીએ એક બ્‍લોગ લખીને પોતાની માતાના સંઘર્ષની કહાની સંભળાવી. આ બ્‍લોગમાં તેમણે અબ્‍બાસ ભાઈ નામના મુસ્‍લિમ યુવકનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્‍યું હતું કે કેવી રીતે અબ્‍બાસ ભાઈ તેમના બાળપણમાં તેમના પરિવારનો ભાગ હતા. આ પછી સોશિયલ મીડિયા પર અબ્‍બાસ ભાઈ વિશે ચર્ચા શરૂ થઈ અને અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્‍યું અને કહ્યું કે આખરે આ અબ્‍બાસભાઈ કયાં છે, હું પણ તેમને મળવા માંગુ છું.

અબ્‍બાસભાઈ વડાપ્રધાન મોદીના મિત્ર છે અને બાળપણમાં મોદી પરિવાર સાથે રહેતા હતા. અબ્‍બાસ ભાઈઓ હાલમાં તેમના પુત્ર સાથે ઓસ્‍ટ્રેલિયામાં રહે છે. અબ્‍બાસને બે પુત્રો છે. તેમનો મોટો પુત્ર ગુજરાતના કાસિમ્‍પા ગામમાં રહે છે, જ્‍યારે નાનો પુત્ર ઓસ્‍ટ્રેલિયામાં રહે છે. અબ્‍બાસભાઈ ગુજરાત સરકારના અન્ન અને પુરવઠા વિભાગમાં નોકરી કરતા હતા, પરંતુ હવે તેઓ નિવળત્ત થઈ ગયા છે.

વડાપ્રધાન મોદીએ તેમના બ્‍લોગમાં લખ્‍યું છે કે તેમના પિતાના મિત્રનું અવસાન થયું હતું, જે બાદ મોદીના પિતા તેમના મિત્રના પુત્ર અબ્‍બાસને તેમના ઘરે લાવ્‍યા હતા અને અબ્‍બાસ ભાઈનો ઉછેર મોદી પરિવારમાં થયો હતો. માતા હીરા બેન તેને પુત્ર જેવો પ્રેમ કરતા હતા. વડાપ્રધાન મોદીએ લખ્‍યું કેઃ મારી માતા ઈદ પર અબ્‍બાસ માટે ભોજન બનાવતી હતી, મારી માતા બીજાને ખુશ જોઈને હંમેશા ખુશ રહેતી હતી. ઘરમાં જગ્‍યા નાની હતી, પણ તેનું દિલ મોટું હતું. પીએમ મોદીએ લખ્‍યું કે માતા હીરાબેને કયારેય અબ્‍બાસ અને તેમના બાળકો વચ્‍ચે ભેદભાવ કર્યો નથી.

અબ્‍બાસભાઈ અને વડાધાન મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી સહપાઠી હતા. પંકજભાઈએ પણ અબ્‍બાસભાઈને ‘સારા માણસ' ગણાવ્‍યા અને કહ્યું કે તેઓ દિવસમાં ૫ વખત નમાઝ અદા કરતા હતા. પંકજભાઈએ જણાવ્‍યું કે અબ્‍બાસે આઠમું અને નવમું ભણતર અમારી સાથે રહીને પૂરું કર્યું હતું. પંકજ ભાઈએ જણાવ્‍યું કે અબ્‍બાસ પરિવારના સભ્‍ય જેવો હતો.

(10:00 am IST)