Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કોઈ પણ દેશ પોતાના પાડોશીઓને બદલી શકતુ નથી :અફઘાનિસ્તાની તાલિબાનોનું સૂચક નિવેદન

તાલિબાને કહ્યું પાકિસ્તાન અમારો પાડોશી દેશ બંનેનો ઈતિહાસ અને સંસ્કૃતિ સમાન ભારત પણ અમારા જ ક્ષેત્રનો દેશ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પોતાના સૈનિકોને સપ્ટેમ્બર સુધીમાં પરત બોલાવશે.આ સ્થિતિમાં ભારત પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેમ કે ભારતે અફઘાનિસ્તાનમાં સારૂ એવું રોકાણ કર્યું છે.

બીજી તરફ અફઘાનિસ્તાનના તાલિબાન સાથે પાકિસ્તાનના નજીકના સંબંધો છે. આ સંજોગોમાં અફઘાનિસ્તાનમાં ભારત સાથેના ભાવિ સંબંધો અંગે હજી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી હતી તેવામાં તાલિબાને ભારતને લઈને પોતાની વાત મુકી છે. તાલિબાનનું કહેવુ છે કે તે ભારત અને બીજા પાડોશી દેશો સાથે શાંતિથી રહી શકે છે.

તાલિબાને કહ્યું હતુ કે, કોઈ પણ દેશ પોતાના પાડોશીઓને બદલી શકતુ નથી. એક અંગ્રેજી સમાચારના રિપોર્ટ અનુસાર ભારત અને કાશ્મીર અંગે પૂછાયેલા સવાલ પર તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યુ હતુ કે, પાકિસ્તાન અમારો પાડોશી દેશ છે. બંનેનો ઈતિહાસ અને સંસ્કૃતિ સમાન છે. ભારત પણ અમારા જ ક્ષેત્રનો દેશ છે. અમારે કે હકીકત સ્વીકારવી રહી કે કોઈ પણ દેશ પોતાના પડોશના કે પોતાના ક્ષેત્રના દેશને બદલી શકતો નથી. અમે શાંતિપૂર્ણ રીતે રહેવા માંગીએ છે અને એ જ તમામના હિતમાં છે.

સુહેલે તાલિબાનને રાષ્ટ્રવાદી ઈસ્લામિક તાકાત ગણાવીને કહ્યુ હતુ કે, અમારો હેતુ દેશને વિદેશી કબ્જામાંથી છોડાવીને ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે.

છેલ્લા બે દાયકામાં ભારતે અફઘાનિસ્તાનને વિકાસ માટે મદદ કરવા 3 અબજ ડોલર આપ્યા છે. જેના કારણે ભારતનો અહીંયા પ્રભાવ વધ્યો છે અને તેનાથી પાકિસ્તાનની ચિંતા વધી છે. જોકે હવે અમેરિકન સેના પરત ફરી રહી છે અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની ભૂમિકા મહત્વની થવાની છે ત્યારે અહીંયા ભારતના રોલ પર સવાલો ઉભા થયા છે.

જોકે ભારત સરકાર પણ તાલિબન સાથે સંપર્કમાં હોવાના મીડિયા રિપોર્ટસ તાજેતરમાં સામે આવ્યા હતા. આ અંગે જોકે તાલિબાના પ્રવકતાએ કોઈ જાણકારી નહીં હોવાનુ કહ્યુ હતુ.

(7:14 pm IST)