Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ભાગલા વેળા મિલ્ખાસિંહે તેમનો પરિવાર ગુમાવ્યો હતો

ફ્લાઈંગ શિખનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું : વિભાજન દરમિયાન મિલ્ખાસિંહ પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા

નવી દિલ્હી, તા.૧૯ : ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહે શુક્રવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા અને આખા દેશમાં દુખનું મોજું ફરી વળ્યું. ૯૧ વર્ષીય મિલ્ખા સિંહે થોડા સમય પહેલા જ કોરોનાને હરાવ્યો હતો, પરંતુ પોસ્ટ કોવિડ સમસ્યાઓને કારણે તેમને ફરીથી ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમની સ્થિતિ ખરાબ હતી. આખરે તેમણે શુક્રવારે રાતે અંતિમ શ્વાસ લીધા. મિલ્ખા સિંહનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું.

મિલ્ખા સિંહનો જન્મ ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તે પહેલા ૨૦ નવેમ્બર, ૧૯૨૯ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તે સમયે તેમનું ગામ ગોવિંગપુરા મુઝફ્ફરગઢ જિલ્લામાં પડતુ હતું. રાજપૂત પરિવારમાં જન્મ લેનારા મિલ્ખા સિંહના પરિવારમાં માતા-પિતા સિવાય કુલ ૧૨ ભાઈ-બહેનો હતા. પરંતુ દેશના વિભાજન સમયે તેમણે જે ત્રાસદીનો સામનો કર્યો હતો તે અત્યંત ભયાનક હતો. તે હિંસા દરમિયાન તેમના આઠ ભાઈ-બહેન અને માતાપિતાનું મૃત્યુ થયુ હતું. વિભાજન દરમિયાન મિલ્ખા સિંહ કોઈ રીતે પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા. ભારત પહોંચ્યા પછી તેમણે સેનામાં જોડાવવાનો નિર્ણય લીધો અને ૧૯૫૧માં તેઓ સેનામાં ભરતી થઈ ગયા. તેમના આ એક નિર્ણયે આખું જીવન બદલી કાઢ્યું. મિલ્ખા ધીરે ધીરે આગળ વધતા ગયા અને એક દિવસ ભારતના મહાન દોડવીર બની ગયા. એક વાર તેમણે રેસમાં ૩૯૪ સૈનિકોને હરાવ્યા હતા. ૧૯૫૮માં મિલ્ખા સિંહે જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો તો તે આઝાદ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો. ત્યારપછી તેમણે પાછળ ફરીને નથી જોયું.

મિલ્ખા સિંહે ૧૯૫૬માં મેલબર્ન ઓલમ્પિક, ૧૯૬૦માં રોમ ઓલમ્પિક અને ૧૯૬૪માં ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ કર્યું. કરિયરની શરુઆતમાં મિલ્ખા સિંહ પ્રેક્ટિસ માટે ચાલતી ટ્રેનની પાછળ દોડચા હતા અને આ દરમિયાન ઘણીવાર તેઓ ઈજાગ્રસ્ત પણ થયા. મિલ્ખા સિંહે ૧૯૬૦માં રોમ ઓલમ્પિક્સ દરમિયાન ૪૫.૬ સેકન્ડમાં દોડીને ચોથું સ્થાન મેળવ્યુ હતું. ત્યારપછી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. ૧૯૫૯માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહના પરિવારમાં ત્રણ દીકરીઓ ડોક્ટર મોના સિંહ, અલીઝા ગ્રોવર, સોનિયા સાંવલ્કા અને દીકરો જીવ મિલ્ખા સિંહ છે. ગોલ્ફર જીવ ૧૪ વાર આંતરરાષ્ટ્રીય ધોરણે જીત મેળવી ચૂક્યો છે. તે પણ પિતાની જેમ પદ્મશ્રી પુરસ્કરાર વિજેતા છે.

(12:00 am IST)