Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ગાંગુલીના કુટુંબમાં કોરોના, ભાઈ અને પરિવાર ચેપગ્રસ્ત

ક્રિકેટ બોર્ડના પ્રમુખનો પરિવાર મહામારીની ઝપટમાં : સ્નેહાશિષ, પત્ની અને સાસુ-સસરાનો કોરોના પોઝિટિવ, ફરી ટેસ્ટ કર્યા બાદ ડિસ્ચાર્જ અંગે નિર્ણય કરવામાં આવશે

કોલકાતા, તા. ૨૦ : ભારતીય ક્રિકેટ બોર્ડ એકતરફ લોકડાઉન હટે અને કોરોનાની અસર ઘટે એટલે ક્રિકેટ શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે ત્યારે તેના પ્રમુખ સૌરવ ગાંગુલીના પરિવારમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્નીનો  કોરોના પોઝિટિવ આવ્યો  છે અને તેઓ સારવાર હેઠળ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. ગયા સપ્તાહે સ્નેહાશિષના સાસુ-સસરા પણ કોરોનામાં પોઝિટિવ આવ્યા હતા. ચારેય વ્યક્તિએ બીમારીની ફરિયાદ કરી હતી અને તમામને કોરોનાના લક્ષણો હતા. સ્નેહાશિષ અત્યારે તેમના પિતાના બેહાલા ખાતેના નિવાસે રહે છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચારેયને ખાનગી ર્નસિંગ હોમમાં દાખલ કરાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ર્નસિંગ હોમના અધિકારીએ જણાવ્યું હતું કે તેમની તબિયત સુધરે નહીં ત્યાં સુધી તેમને રજા મળશે નહીં.

           અગાઉ સૌરવ ગાંગુલીએ બોર્ડના પ્રમુખ તરીકે જાહેર કર્યું હતું કે જ્યાં સુધી કોરોનાની અસર છે ત્યાં સુધી ક્રિકેટ શરૂ થઈ શકે તેમ નથી. રિપોર્ટ્સ અનુસાર સ્નેહાશિષના પત્ની અને તેના સાસુ-સસરાએ શરદી અને તાવની ફરિયાદ કરી હતી. લક્ષણો કોરોના જેવા જણાતા હતા. પછી, દરેકનો કોરોના ટેસ્ટ કરાયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચારેય સભ્યોને ર્નસિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ર્નસિંગ હોમના ડોકટરોએ જણાવ્યું હતું કે હાલમાં ચારેય દર્દીઓની તબિયત સારી છે. શનિવારે ફરીથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે રિપોર્ટના આધારે તેમના ડિસ્ચાર્જ અંગેનો નિર્ણય લેવામાં આવશે. પત્ની અને સાસુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્નેહાશીષનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તેમ છતાં તેને હોમ કવોરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે.

(7:34 pm IST)