Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

અંગ્રેજી શબ્દ જગરનોટ ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલો છેઃ જેનો અર્થ છે કયારેય ન રોકી શકાય તેવી શકિત : રથયાત્રાની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ બોબડે

નવી દિલ્હી, તા. ર૦:  મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે એ ગુરૂવારે કહ્યુ કે મને હમણાં જ ખબર પડી કે અંગ્રેજી શબ્દ જગરનોટ (JUGGERNAUT) ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલ છે અને તેનો અર્થ થાય છે ન રોકી શકાય તેવી શકિત.

મુખ્ય ન્યાયાધીશ બોબડેએ આ મહિનાની ર૩ તારીખે ઓરિસ્સાના પુરીમાં થનારી જગન્નાથ રથયાત્રાને કોરોના મહામારીના  કારણે સ્થગિત કરવાનો ચુકાદો સંભળાવતા આ વાત કહી હતી. તેમની આ વાત પર કેન્દ્ર સરકાર તરફથી પેરવી કરી રહેલા સોલીસીટર જનરલ તુષાર મેહતા એ કહ્યું કે પણ તમે તો તેને રોકી દીધી છે.

આ કેસની સુનાવણીની બેંચમાં સામે જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ બોપન્નાએ જગન્નાથ રથયાત્રા રોકવાની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અનુચ્છેદ રપ(૧) માં પણ ઉપાસના અને ધાર્મિક પ્રચારની સ્વતંત્રતાના અધિકારને આરોગ્ય સાથે સંકળાયેલો ગણાવ્યો છે. બેંચે કહ્યું કે નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખતા આ વર્ષે પુરીમાં રથયાત્રાની પરવાનગી ન આપી શકાય. જો અમે પરવાનગી આપીએ તો ભગવાન જગન્નાથ અમને કયારેય માફ નહીં કરે. મહામારીના કાળમાં આવડો મોટો જમાવડો ન થઇ શકે.

(2:47 pm IST)