Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ચીનનું ચસ્કી ગયું : આખી ગલવાન ખાડી પર દાવો કર્યો

વિદેશ મંત્રાલયે કહ્યું આ સમયે ચીનની અટકાયતમાં કોઈ ભારતીય સૈનિક નથી

નવી દિલ્હી : ભારત બાદ હવે ચીને પણ કહ્યું છે કે તેમની અટકાયતમાં કોઈ ભારતીય નથી. ચીને એમ પણ કહ્યું કે આખી ગલવાન ઘાટી તેના અધિકારક્ષેત્રમાં છે.ચીનના વિદેશ મંત્રાલયની દૈનિક પ્રેસ-કૉન્ફરન્સમાં એક સવાલના જવાબમાં પ્રવક્તા ઝાઓ લીજિયાને કહ્યું, "જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી આ સમયે ચીનની અટકાયતમાં કોઈ ભારતીય સૈનિક નથી.જોકે તેઓએ ભારતીય સૈનિકોને હિરાસતમાં લીધા હોવાની વાતની પુષ્ટિ કરી નથી.

ભારતીય મીડિયા રિપોર્ટોમાં કહેવાયું કે ચીને 15-16 જૂનની રાતે થયેલી હિંસક અથડામણ બાદ ભારતના ચાર અધિકારી અને છ જવાનોને પોતાના કબજામાં લીધા હતા, જેમને ગુરુવારે સાંજે છોડી દીધા છે.આ હિંસક ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા, જેમાં એક કર્નલ પણ સામેલ હતા.

જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ગલવાન ઘાટીમાં થયેલા ઘટનાક્રમ બાદ ભારતમાં ચીન સામે થઈ રહેલાં વિરોધ પ્રદર્શન અને ચીનના સામાનના બહિષ્કારની અપીલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે ગલવાનમાં જે થયું તેના માટે ભારત જવાબદાર છે.

તેઓએ કહ્યું કે બંને દેશ સૈન્ય અને કૂટનીતિક ચેનલોના માધ્યમથી વાતચીત કરી રહ્યા છે અને તણાવ ઓછો કરવા પર ભાર આપી રહ્યા છે.

તેઓએ કહ્યું, "ચીન ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપે છે અને આશા રાખે છે કે ભારત ચીન સાથે મળીને દૂરગામી વિકાસ માટે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે કામ કરશે."

(1:32 pm IST)