Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ગુજરાતમાં સતત બીજી વખત ભાજપના ભાગે રાજ્યસભાની ત્રણ બેઠકો

અભય ભારદ્વાજ, નરહરિ અમીન, રમીલાબેન બારાનો વિજયઃ કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહિલ વિજેતા : રાજ્યમાંથી એક મહિલા અમી યાજ્ઞિક રાજ્યસભામાં છે હવે બીજા રમીલાબેન બારાઃ કુલ ૧૧ પૈકી ૭ સભ્યો ભાજપના, ૪ કોંગ્રેસના

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકોનું પરિણામ ગઈકાલે મોડી રાત્રે જાહેર થયુ છે. ધારણા મુજબ ભાજપના ૩ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન તથા કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ વિજેતા થયા છે. કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે. ચૂંટણી જાહેર થઈ તે વખતે સંખ્યાબળના આધારે બન્ને પક્ષને બબ્બે બેઠકો મળે તેવા સંજોગો હતા પરંતુ કોંગ્રેસના ૮ ધારાસભ્યોના રાજીનામા, એનસીપીનો ભાજપને સાથ અને બીટીપીના બે ધારાસભ્યો મતદાનથી અળગા રહેતા ચિત્ર બદલાઈ ગયું. ગુજરાતમાં ૨૦૧૪ પછી સતત બીજી વખત ભાજપને રાજ્યસભામાં એક સાથે ૩ - ૩ બેઠકો મળી છે.

હાલ ભાજપમાંથી ૭ સભ્યો રાજ્યસભામાં થયા છે. જેમાં પરસોતમ રૂપાલા, એસ. જયશંકર, મનસુખ માંડવિયા (ત્રણેય મંત્રીઓ), જુગલજી ઠાકોર, અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલ, નારણભાઈ રાઠવા અને અમીબેન યાજ્ઞિક રાજ્યસભામાં હતા. હવે શકિતસિંહનો ઉમેરો થયો છે. રાજ્યના હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ૨૦૦૬થી ૨૦૧૨ સુધી રાજ્યસભામાં રહી ચૂકયા છે. આ વખતે ચુનીભાઈ ગોહેલ, શંભુપ્રસાદ ટુંડીયા, લાલસિંહ વાડોદરીયા (ભાજપ) અને મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)ની મુદત પૂરી થતા બેઠક ખાલી પડી હતી. આ ૪માંથી ૩ બેઠકો ભાજપે જીતી છે. એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

રાજ્યસભામાં અત્યારે ગુજરાતમાંથી એક માત્ર મહિલા કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે તેમા રમીલાબેન બારાનો ઉમેરો થયો છે. નવા ચૂંટાયેલા ચારેય સભ્યોની મુદત જુન ૨૦૨૬ સુધીની રહેશે. હવે પછી ગુજરાતમાં ૨૦૨૩માં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી આવવા પાત્ર છે. જુલાઈ ૨૦૨૩માં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની નિવૃત થશે.

રાજ્યસભાના ૩ સભ્યો કેન્દ્રીય મંત્રી

રાજકોટઃ. ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના ૭ સભ્યો પૈકી ૩ કેન્દ્રીય મંત્રી મંડળમાં છે. જેમાં એસ. જયશંકર (વિદેશ), પરસોતમ રૂપાલા (કૃષિ) અને મનસુખ માંડવિયા (વહાણવટા)નો સમાવેશ થાય છે.

(11:32 am IST)