Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

દિલ્હી ચૂંટણી જંગ

પાટનગરની સાતેય બેઠકો ભાજપનેઃ આપ-કોંગ્રેસના ડબ્બા ડુલ થશે

નવી દિલ્હી, તા.૨૦: લોકસભા ચૂંટણીનાં સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુકયું છે. ચુંટણી પુર્ણ થતાની સાથે જ એકિઝટ પોલનાં પરિણામો આવવાનાં શરૂ થઇ ચુકયા છે. ટાઇમ્સ નાઉ- વીએમઆર સર્વેના અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તમામ સાત સીટો ભાજપનાં ખાતામાં જતી જેવા મળી રહી છે. જયારે સાતેય સીટો જીતવાનો દાવો કરનાર કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલનાં નેતૃત્વમાં રહેલી આમ આદમી પાર્ટી (આપ)ના ખાતામાં એક પણ સીટ જતી નથી જોવા મળી રહી. જયારે ૨૦૧૪માં પણ ભાજપે તમામ સીટો પર કબ્જો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દિલ્હીની તમામ સાતેય સીટો પર છઠ્ઠા તબક્કા હેઠળ ૧૨ મેનાં રોજ મતદાન થવાનું છે. જો કે આ વર્ષે ૨૦૧૪ની તુલનામાં ઓછું મતદાન થયું અને કુલ ૬૦ ટકા મતદાતાઓએ જ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો. દિલ્હીમાં ભાજપનો વિજય રથ અટકાવવા માટે કોંગ્રેસ અને આપમાં ગઠબંધન મુદ્દે અંતિમ ક્ષતો સુધી અનેક તબક્કાની વાતચીત થઇ, જે નિષ્ફળ રહી હતી. અંતે બંન્ને દળોએ અલગ અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો.

જો વોટશેરની વાત કરીએ તો ૨૦૧૪ની ચૂંટણીમાં જયાં ભાજપને ૪૬.૪ વોટશેર મળ્યું હતું ત્યારે અકઝીટ પોલમાં હવે ૩.૭૨ ટકાનાં ઘટાડા સાથે ૪૨.૬૮ ટકા મતવહેંચણીની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસનું મત વહેંચણી જે ૨૦૧૪માં ૧૫.૨ ટકા હતું અને આ ચૂંટણીમાં ૯ ટકા વધીને ૨૪.૨ ટકા રહેવાની સંભાવના છે. આપની વાત કરીએ તો ૨૦૧૪માં તેના વોટશેર કોંગ્રેસ કરતા બમણું ૩૨.૯ ટકા રહ્યું હતું તે એકઝીટ પોલના અનુસાર ૨૦૧૯માં ૭.૩ ટકાના ઘટાડા સાથે ૨૫.૬ ટકા જ રહ્યું છે.

(11:42 am IST)