Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કેનેરા બેંકનો ભગો : બીજા ખાતામાં નાણા જમા કરી દેતા લાગ્યો રૂ. ૩૨૦૦૦નો દંડ

બેંક RTGSમાં ગોટાળો કરવામાં દોષિત ઠરી

મુંબઈ તા. ૨૦ : મહારાષ્ટ્ર કન્ઝયુમર કમિશને હાલમાં જ કેનેરા બેંકને ૪૮,૦૦૦ રૂપિયાનું RTGS (રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) ટ્રાન્સફર કરવામાં ગોટાળો કરવા બદલ દોષી ઠેરવી છે. કન્ઝયુમર કમિશને કહ્યું, બેંકે રૂપિયા મેળવનારનું નામ, બ્રાંચ, બેંકની બ્રાંચ કયા શહેરમાં આવેલી છે તે જોયા વિના જ માત્ર અકાઉન્ટ નંબર જોઈને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા, જે નહોતું કરવું જોઈતું. પરેલમાં રહેતા પ્રદીપ ત્રિપાઠીને જાણ થઈ કે તેઓ જે રૂપિયા ચંદીગઢના એક બિઝનેસ સપ્લાયરને મોકલવાના હતા તે હૈદરાબાદના કોઈ અજાણ્યા વ્યકિતના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા.

ખોટી ટ્રાન્સફર કરેલી રકમ રિફંડ આપવાની તેમજ ૩૨,૦૦૦ રૂપિયા જેટલું વળતર ચૂકવવાનો આદેશ બેંકને આપવામાં આવ્યો છે. જૂન ૨૦૧૮માં જિલ્લા ફોરમે પ્રદીપ ત્રિપાઠીની તરફેણમાં આ મામલે ચૂકાદો સંભળાવ્યો હતો. જો કે, ચૂકાદાથી અસંતુષ્ટ બેંકે મહારાષ્ટ્ર રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરજી કરી. ત્યારે કમિશને પણ જિલ્લા ફોરમે આપેલો ચૂકાદો માન્ય રાખ્યો.

રાજય કમિશને કહ્યું, 'RTGS સ્લીપમાં ફરિયાદી પ્રદીપ ત્રિપાઠીએ સાચો ખાતા નંબર લખ્યો હતો પરંતુ કેનેરા બેંકે બેદરકારી દાખવી અને ટ્રાન્સફર કરતાં પહેલા વેરિફિકેશન ન કર્યું. જેથી રકમ ખોટા ખાતામાં જમા થઈ ગઈ. જિલ્લા ફોરમે બરાબર નિર્ણય કર્યો હતો કે, આ કેસમાં ફરિયાદીનો વાંક નથી, ભૂલ બેંકની છે. ખામીયુકત સેવા આપવા માટે બેંક જવાબદાર છે.'

(11:35 am IST)