Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રાહુલ ગાંધી - શરદ પવાર સાથે સતત બીજા દિવસેય ચંદ્રાબાબુ નાયડુની વિસ્તૃત ચર્ચા

ચૂંટણી પરિણામ પહેલા વ્યૂહરચના ઉપર ચર્ચા કરાઈ : ચંદ્રાબાબુ નાયડુની સીતારામ યેચુરી સાથે પણ વિવિધ મુદ્દે મંત્રણા

નવીદિલ્હી, તા. ૧૯ : લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે પણ વિરોધ પક્ષો દ્વારા વ્યૂહરચના પર વાતચીતનો દોર જારી રહ્યો હતો. આજે બીજા દિવસે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને એનસીપીના વડા શરદ પવાર સાથે વાતચીત કરી હતી. સતત બીજા દિવસે વાતચીતનો સિલસિલો જારી રહ્યો હતો. ડાબેરીઓના નેતા સીતારામ યેચુરી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. એટલું જ નહીં આજે સાંજે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળીને વાતચીત કરી હતી. આ પહેલા શનિવારના દિવસે નાયડુએ રાહુલ ગાંધી, શરદ પવાર, સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપના વડા માયાવતી સાથે વાતચીત કરી હતી. ચંદ્રબાબુ નાયડુ વાતચીત પહેલા ખુબ સક્રિય દેખાઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસ તરફથી ભાજપને હટાવવાની કિંમત ઉપર વડાપ્રધાન પદના ત્યાગને લઇને કોંગ્રેસ તરફથી રજૂઆત કરવામાં આવી ચુકી છે જેથી અટકળો ગઠબંધન સરકારને લઇને ચાલી રહી છે. ભાજપે બહુમતિ નહીં મળવાની સ્થિતિમાં કોંગ્રેસની સીટોના આંકડા ઓછા હોવાની સ્થિતિમાં ગઠબંધન સરકારની રચના કરવાની દિશામાં ક્ષેત્રિય પક્ષો આગળ વધી રહ્યા છે. બીજી બાજુ એનસીપીના વડા શરદ પવારે ગઠબંધનના સવાલ પર કહ્યું હતું કે, તમામ પક્ષોને ૨૩મી મેનો ઇંતજાર છે. પરિણામ આવ્યા બાદ જ સ્પષ્ટરુપે કોઇ પ્રતિક્રિયા આપી શકાશે. થોડાક દિવસ પહેલા જ ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, તેમની ટિપ્પણીને લઇને અયોગ્યરીતે રજૂઆત કરવામાં આવી છે. આઝાદે પાર્ટી પીએમ પદ વગર ગઠબંધન સરકારને સમર્થન આપી શકે છે તેવા નિવેદનના એક દિવસ બાદ નિવેદન બદલી કાઢીને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, સૌથી મોટી પાર્ટીને સરકાર રચવાની તક મળવી જોઇએ. અલબત્ત એનસીપીના વડાએ કહ્યું હતું કે, ૨૩મી મેના દિવસે પરિણામ આવ્યા બાદ જ કોઇ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે. સોનિયા ગાંધીએ ૨૩મી મેના દિવસે ૨૧ પક્ષોની બેઠક બોલાવી છે.

(12:00 am IST)
  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST

  • આંધ્ર પ્રદેશમાં ફરી તેલુગુ દેશમ પાર્ટી સત્તા પર આવી રહી છે : ચંદ્રાબાબુ નાયડુ ફરી મુખ્ય મંત્રી બનશે : એક્ઝિટ પોલ:આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચુંટણીઅંગેના એક્ઝિટ પોલમાં ફરી એકવાર ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી સરકાર સત્તા પાર આવી રહયાના તારણો જાહેર થયા છે.:ફર્સ્ટ રિપોર્ટના અહેવાલ મુજબ આંધ્ર વિધાનસભાની ૧૭૫ બેઠકમાંથી ચંદ્રાબાબુના તેલુગુ દેશમ પક્ષને ૧૦૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનું આ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે. access_time 1:36 am IST