Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

દેશમાં મોટા નક્સલી હુમલા

છત્તીસગઢ, ઓરિસ્સા, બિહારમાં વધુ હુમલા

       દાંતેવાડા, તા. ૨૦ : છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલવાદીઓના આઈઈડી બ્લાસ્ટમાં સાત જવાન શહીદ થયા છે. નક્સલવાદીઓએ હુમલો કરીને ફરી એકવાર પોતાની શક્તિ દર્શાવી છે અને સાબિતી આપી છે કે, નક્સલવાદીઓ હજુ પણ મોટાપાયે સક્રિય થયેલા છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થઇ રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ ઉપર નક્સલવાદીઓ હજુ પણ મોટાપાયે સક્રિય થયેલા છે. દેશમાં મોટા નક્સલી હુમલા નીચે મુજબ છે.

*    ૨૦મી મે ૨૦૧૮ના દિવસે છત્તીસગઢના દાંતેવાડામાં આઈઈડી બ્લાસ્ટ કરતા સાત જવાન શહીદ થયા છે અને એક જવાનને ઇજા થઇ છે

*    ૧૩મી માર્ચ ૨૦૧૮ના દિવસે નક્સલીઓએ છત્તીસગઢના સુકમામાં સર્ચ ઓપરેશનમાં રહેલા સીઆરપીએફ જવાનોને ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો જેમાં નવ જવાન શહીદ થયા હતા

*    ૨૫મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં ૨૫ જવાન શહીદ થયા

*    ૨૫મી મે ૨૦૧૩ના દિવસે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધુ નક્સલવાદીઓની ટોળકીએ કરેલા હુમલામાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લ સહિત ૨૫ લોકોના મોત થયા હતા. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન આ હુમલો કરાયો હતો

*    છઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડા જિલ્લામાં ચિતલનાર વન્ય વિસ્તારોમાં નક્સલીઓના હુમલામાં સીઆરપીએફના ૭૫ જવાન સહિત ૭૬ લોકોના મોત થયા હતા

*    ચોથી એપ્રિલ ૨૦૧૦ના દિવસે ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં પોલીસની બસ ઉપર હુમલો કરાયો હતો જેમાં ૧૦ જવાન શહીદ થયા હતા અને ૧૬ ઘાયલ થયા હતા

*    ૨૩મી માર્ચ ૨૦૧૦ના દિવસે બિહારના ગયા જિલ્લાની રેલવે લાઈન ઉપર વિસ્ફોટ કરીને ભ્વનેશ્વર-નવીદિલ્હી રાજધાનીને પાટાપરથી ઉતારી દેવામાં આવી હતી

*    ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે પશ્ચિમ બંગાળના શિરદામાં આશરે ૧૦૦ નક્સલવાદીઓની ટોળકીએ પોલીસ કેમ્પ ઉપર હુમલો કરીને ૨૫ પોલીસ જવાનોની હત્યા કરી હતી અને હથિયારો લૂંટી લીધા હતા

*    ૮મી ઓક્ટોબર ૨૦૦૯ના દિવસે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં લાહીડી પોલીસ સ્ટેશનમાં હુમલો કરીને ૧૭ પોલીસ જવાનોની હત્યા કરી હતી

(7:54 pm IST)