Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

વફાદારીનો નવો કીર્તિમાન સ્થાપ્યો :હવે દરેક વ્યક્તિ તેનાં ડોગીનું નામ વજુભાઇ વાળા રાખશેઃ સંજય નિરુપમનું વિવાદાસ્પદ નિવેદન

રાજનીતિમાં હજી કેટલીક નૈતિકતા બાકી છે,પરંતુ ભાજપમાં નહિ: હવે કર્ણાટકના રાજ્યપાલે રાજીનામું આપવું જોઈએ :યશવંતસિંહા ’

    મુંબઈઃ કર્ણાટક વિધાનસભામાં બહુમતી પુરવાર નહિ કરીને માં ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ  મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપતા વિપક્ષ દ્વારા ભાજપ સામે જોરદાર શાબ્દિક પ્રહારો કરાયા હતા પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીથી લઈને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ કર્ણાટકમાં ભાજપના પરાજયને લોકતંત્રનો પરાજય ગણાવ્યો છે. દરમિયાન કોંગ્રેસ નેતા સંજય નિરુપમે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની સરખામણી શ્વાન સાથે કરીને જબરો વિવાદ સર્જ્યો છે.

   સંજય નિરુપમે કહ્યું છે કે, ‘વજુભાઈ વાળાએ દેશમાં વફાદારીનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. હવે કદાચ હિંદુસ્તાનની દરેક વ્યક્તિ તેના કૂતરાનું નામ વજુભાઈ વાળા રાખશે, કારણ કે તેમનાથી વધુ વફાદાર તો કોઈ હોઈ શકે. તેઓ આરએસએસમાંથી આવ્યા છે, મોદી માટે પોતાની બેઠક છોડી હતી, બધું બરાબર, પણ તેઓ હાલ બંધારણીય પદ પર બેઠા છો. જો તેઓ કાયદાનું પાલન કરી શકે તો રાજીનામું આપી દેવું જોઈએ.’

    બીજી તરફ ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિન્હાએ પણ કર્ણાટકમાં યેદિયુરપ્પના રાજીનામાના બહાને રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળા પર નિશાન સાધ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહેલા યશવંત સિન્હાએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે, ‘કર્ણાટકનો ઘટનાક્રમ દર્શાવે છે કે, રાજનીતિમાં હજી પણ કેટલીક નૈતિકતા બાકી રહી છે, પરંતુ ભાજપમાં નહિ. હવે કર્ણાટકના રાજ્યપાલે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે.’

   અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભા ચૂંટણી બાદ સૌથી મોટા પક્ષના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ નવા નવા મુખ્યમંત્રી બનેલી યેદિયુરપ્પાના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શનિવારે વિશ્વાસમત પહેલાં હાર માનીને પીછેહટ કરી દીધી હતી.

(12:00 am IST)