Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

તબીબો અને સ્‍વાસ્‍થ્‍ય કર્મચારીઓ ઉપર હૂમલો કરનારા લોકો ટીકાને પાત્રઃ હેમામાલીની અને જાવેદ અખ્તરે આક્રોશ ઠાલવ્યો

નવી દિલ્હીઃ આ દિવસોમાં કોરોના વાયરસ સંકટ દરમિયાન દેશભરમાં ઉથલ-પાથલનો માહોલ છે. જ્યાં હેલ્થ વર્કરો વોરિયર બનીને બીમારી સામે લડી રહ્યાં છે તો એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જ્યાં આ વર્કરોનો વિરોધ થઈ રહ્યો છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. હાલમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી આવા સમાચાર સાંભળીને હેમા માલિની અને ગીતકાર જાવેદ અખ્તર એ કડક શબ્દોમાં ટીકા કરી છે.

મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિની અને ગીતકાર જાવેદ અખ્તરે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ડોક્ટરો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર લોકોની શનિવારે ટીકા કરતા તેને શરમજનક ઘટના ગણાવી છે.

મુરાદાબાદમાં 15 એપ્રિલે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓને લેવા પહોંચેલી એક મેડિકલ ટીમને ટોળાઓ રોકવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં એક ડોક્ટર અને ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

માલિનીએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કોરોના યોદ્ધાઓ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

તો જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું, મુરાદાબાદમાં જે કંઇ થયું તે શરમજનક ઘટના છે. હું તે શહેરના શિક્ષિત લોકોને નિવેદન કરુ છું કે કોઈ આવા અજ્ઞાની લોકોનો સંપર્ક કરી તેને જ્ઞાન આપે.

(4:05 pm IST)