Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

૯૯ વર્ષના મેંદરડાના પૂર્વ ધારાસભ્ય સાથે વડાપ્રધાનની ભાવુક ટેલીફોનીક વાતઃ દાયકાઓ પહેલાની ઘટના નરેન્દ્રભાઇને અક્ષરસઃ યાદ હતી!!!

રત્નાબાપા, મને યાદ કરો છો ખરા ? : નરેન્દ્રભાઇ

યાદ તો કરતો હોવ ને.. તમે બધા લોકોને સમજાવો નહિતર તૂટી પડોઃ તમે ને શંકરસિંહ બાપુ આવેલાઃ ૩ કલાક વાતુ કરેલઃ રત્નાબાપા

રાજકોટઃ માળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરે ૧૭ એપ્રિલના રોજ કલેકટર કચેરીએ પોતાના મરણમૂડીના ૫૧ હજાર કોરોના સામેની લડાઇમાં દાનમાં આપ્યા હતા. રત્નાબાપાએ અધિક કલેકટરને પોતાનો દાનનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપર્ણ કર્યો હતો. રત્નાબાપાના દાનની વાત છેક દિલ્હી સુધી પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રહી ન શકયા અને આજે જૂનાગઢ રહેતા રત્નાબાપાન દીકરાને ફોન કરી વાત કરી હતી. મોદીએ બાપાને કહ્યું કે અમને યાદ કરો છો? તો બાપાએ કહ્યું યાદ તો કરીએ ને. આજે આવેલી મહામારી સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરો છો. ત્યારે મોદીએ કહ્યું હતું કે, બાપા અમે તમને બહુ જ યાદ કરીએ છીએ.

નરેન્દ્રભાઇ મોદી અને રત્ના બાપા સાથે થયેલી વાતચીતના અંશો

વડાપ્રધાનઃ હા બાપા તમારી તબીય કેમ છે

રત્નાબાપાઃ મારી તબીયત તો ઠીક પણ કાને સાંભળી શકતો નથી, ૧૦૦માં એક વર્ષ ઓછુ રહ્યું છે

વડાપ્રધાનઃ મને યાદ કરો છો

રત્નાબાપાઃ યાદ તો કરતો હોવ ને..દેશનું ભલું કરો છો...અમે તો નથી કંઇ કરી શકતા

વડાપ્રધાનઃ પણ રત્નાબાપા અમે તો તમને બહું જ યાદ કરીએ છીએ.

રત્નાબાપાઃ તમે બધા લોકોને સમજાવો નહીંતર તેની પર તૂટી પડો.

વડાપ્રધાનઃ બાપા જૂનું કંઇ યાદ કરો છો, હું ઘરે આવતો તે યાદ આવે છે.

રત્નાબાપાઃ તમે બોલો એ હું સાંભળી શકતો નથી, ધનજી સાથે વાત કરો

વડાપ્રધાનઃ ધનજીભાઇ બાપાને પૂછો હું આવતો તે યાદ આવે છે.

ધનજીભાઇઃ તમે અને શંકરસિંહ બાપુ આવ્યા હતા ને બીલખા તે યાદ કરે દ્યણીવાર, આપણે ત્રણ કલાક બેઠા હતા સાથે.

વડાપ્રધાનઃ (હસવા લાગે છે) હા

ધનજીભાઇઃ અત્યારે તો એ જ કહેતા હોય છે કે, કેન્દ્ર સરકાર, રાજય સરકાર બધે સારૂ કરે છે, ૧૭ તારીખે મને કે હાલ ચેક દેવા જાવું છે

વડાપ્રધાનઃ હા મેં જોયું એટલે જ ફોન કર્યો, તબીયત કેમ રહે છે.

ધનજીભાઇ : કલેકટર કચેરીએ ગયો તો લીફ્ટ પણ બંધ હતી છતાં દાદરો ચડી ઉપર ગયા, કલેકટર કચેરીના પટ્ટાવાળા કે હાલો બાપા તમને લેવા લાગું તો કે ના ના

વડાપ્રધાનઃ બસ બાપાને મારા પ્રણામ કહી દેજો ભઇલા, ખાસ યાદ આવ્યા એટલે ફોન કર્યો.

ધનજીભાઇઃ વચ્ચે રાજુભાઇ ધ્રુવ અને રૂપાલા સાહેબ આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, ચાલો એક દિવસ દિલ્હી લઇ જાવા છે, બાપા કે આમાં હાલી શકીએ નહીં

વડાપ્રધાનઃ ધનજીભાઇ છોકરાવ શું કરે છે

ધનજીભાઇઃ છોકરા બધા અલગ અલગ ફિલ્ડમાં છે એક જર્મની છે.

વડાપ્રધાનઃ ચાલો પ્રણામ કહેજો બાપાને ફરી મારા.

રત્નાબાપા દર સોમવારે એક ટંક છોડી ઘ્યે છે

તમને જાણીને આશ્વર્ય થશે કે ૯૯ વર્ષના આ દાદા ૧૯૭૫થી ૧૯૮૦ના સમયગાળા દરમિયાન મેંદરડા અને માળિયાહાટીનાના ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.  ૫૧૦૦૦નો ચેક જૂનાગઢના એડિશનલ કલેકટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, 'સાહેબ, હું વૃદ્ઘ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડી દ્યણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.' ભારતમાં જયારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ ૯૯ વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.

(3:41 pm IST)