Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રોહિત મર્ડર કેસ : પત્નિની કઠોર પુછપરછ હાથ ધરાઇ

શકના ઘેરાનાં પરિવારના સભ્યો આવ્યા હતા : પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પુછપરછ

નવી દિલ્હી,તા. ૨૦: ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહેલા એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોતના મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. રોહિતના મોતને હજુ સુધી સામાન્ય મોત તરીકે રજૂ કરીને માહિતી સપાટી પર આવી રહી હતી. પોલીસને હજુ સુધી કેટલાક મામલામાં શંકા છે. હવે હત્યાની શંકાને લઇને રોહિત શેખર તિવારીના પરિવારના સભ્યોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં આજે સવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોહિતની પત્નિની પુછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા શુક્રવારના દિવસે પોલીસે કહ્યુ હતુ કે રોહિતને હાર્ટ અટેકનો હુમલો થયો ન હતો. પરંતુ તેની ગળુ, મો અને નાક દબાવીને હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હત્યાથી પહેલા તેને શરાબમાં નશાની ચીજ આપી દેવામાં આવી હતી. બેભાન થઇ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. ગુરૂવારના દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રોહિતના ગરદન પર પાંંચ આંગળીના નિશાન મળી આવ્યા છે. ગળુ દબાવવામાં આવે ત્યારે તેનો આવાજ ન આવે તે માટે આ ક્રુર રીતિ અજમાવવામાં આવી હતી. હત્યાની શંકા થયા બાદ પોલીસે ઘરના પાંચ સીસીટીવી પર રહેલા ફોટો નિહાળ્યા છે. એકમાં સોમવારના દિવસે નશામાં રોહિત સીડી ચઢતો દેખાય છે. સાથે સાથે શરાબ હાથમાં લઇને જતો નોકર  નજરે પડે છે. એમ માનવામાં આવે છે કે હત્યા કરનાર શખ્સ કોઇ ઘરની અંદરની વ્યક્તિ હોઇ શકે છે.

ક્રાઇમ બ્રાન્ચે ઘરમાં રહેલા તમામ લોકોને સાફ શબ્દોમાં કહ્યુ છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ વ્યક્તિ ઘર છોડીને બહાર ન જાય. અત્રે નોંધનીય છે કે મંગળવારના દિવસે ચાર વાગ્યા ડિફેન્સ કોલોની સ્થિત સી-૩૨૯ સ્થિત પોતાના આવાસમાં રોહિત શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાયો હતો.

(3:35 pm IST)