Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજનગર, કાલાવડ રોડ, મોટા મવા-નાના મવા, આસ્થા ચોકડીએ ટોળેટોળાઃ ચક્કાજામ-ટાયરો સળગાવાયા

કાલાવડ રોડ પર એસ.ટી. બસના કાચ ફોડ્યા-આસ્થા ચોકડીએ કાર પર પથ્થરમારોઃ દસેક એસ.ટી. બસને મોટા મવા પાસે તાલુકા પોલીસ મથકે હોલ્ટ કરી દેવામાં આવીઃ પોલીસનો ચાંપતો બંદોબસ્ત

કાલાવડ રોડ અને આસ્થા ચોકડીએ પર ચક્કાજામઃ કાચનો ભુક્કોઃ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા હટાવવાના કારણે ટોળા રોડ પર આવી ગયા હતાં. આસ્થા ચોકડીએ બે કારને નિશાન બનાવી કાચ ફોડાયા હતાં. તેમજ આસ્થા ચોકડી-૧૫૦ રીંગ રોડ પર અનેકાલાવડ રોડ પર  લોકો રોડ પર બેસી ગયા હતાં અને ચક્કાજામ કર્યા હતાં. પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતાં અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: નાના મવા રોડ રાજનગર ચોકમાં કોઇપણ જાતની કાયદેસરની મંજુરી વગર મુકી દેવામાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને મધરાતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોલીસની મદદથી હટાવી દેતાં સવારથી જ આ મામલે ઉગ્ર રોષ સાથે લોકોના ટોળેટોળા જય ભીમના નાદ સાથે રોડ પર ઉતરી ગયા હતાં. રાજનગર ચોક, આસ્થા ચોકડી, કાલાવડ રોડ, મોટા મવા-નાના મવા, લક્ષ્મીનગર સહિતના વિસ્તારો પર ટોળા ફરી વળતાં તંગદીલીનો માહોલ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. કાલાવડ રોડ પર એસ.ટી. બસના કાચ ફોડી નંખાયા હતાં. તેમજ ટાયરો સળગાવાયા હતાં. તો આસ્થા ચોકડી પાસે એક કારના કાચ ફોડાયા હતાં. આસ્થા ચોકડીએ હજારેક લોકોનું ટોળુ એકઠુ થઇ ગયું હતું અને સતત સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ હાથ પર બ્લેડથી જય ભીમ લખી લોહી વહાવ્યું હતું. મુર્તિ ફરીથી પ્રસ્થાપિત કરવાની માંગણી આ લોકોએ દોહરાવી હતી.

ડો. બાબાસાહેબની પ્રતિમા કોઇપણ જાતની મંજુરી વગર મુકી દેવામાં આવી હોઇ જે બાબતે ફરિયાદો ઉઠતાં મધરાતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોલીસની મદદથી આ પ્રતિમા હટાવી લીધી હતી. આ કારણે સવારે મોટી સંખ્યામાં લોકો રાજનગર ચોકમાં 'જય ભીમ'ના નારા સાથે ભેગા થઇ ગયા હતાં. જોત જોતામાં વાત ફેલાઇ જતાં મોટા મવા, નાના મવા, આસ્થા ચોકડી, લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ડો. બાબાસાહેબની પ્રતિમા ફરિથી જ્યાં હતી ત્યાં જ પ્રસ્થાપિત કરવાની માંગણી કરી હતી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા તથા તમામ એસીપીની રાહબરી હેઠળ હથીયારધારી પોલીસનો કાફલો ઉપરોકત વિસ્તારોમાં દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે મોટા મવા, નાના મવા, પ્રેમ મંદિર સહિતના કાલાવડ રોડ, લક્ષ્મીનગર રોડ, ગોંડલ રોડ ચોકડી, આસ્થા ચોકડી, આસ્થા ચોકડી સહિતના રસ્તાઓ પર પોલીસે ફલેગ માર્ચ કરી હતી. આ કારણે વધુ તંગદીલી ફેલાતી અટકી હતી.

મોટા મવા જડ્ડુસ નજીક રોડ પર ટાયરો સળગાવાયા હતાં. એક બસ પર પથ્થરમારો થતાં દસ જેટલી એસટી બસોને તાલુકા પોલીસ મથકે હોલ્ટ કરી દેવામાં આવી હતી. અધિકારીઓ  દલિત સમાજના આગેવાનો  સાથે મળી મામલો થાળે પાડવા મથામણ કરી રહ્યા છે. (૧૪.૧૦)

(4:10 pm IST)