Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

આંધ્રને વિશેષ દરજ્જા માટે ચંદ્રાબાબુના ઉપવાસ

ઉપવાસની મોસમ ખીલીઃ આંધ્રના મુખ્યમંત્રીએ પણ આજે એક દિવસીય અનસન કર્યું

હૈદ્રાબાદ તા. ૨૦ : આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજ્જો આપવાની માગ લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે તેમના જન્મદિવસે જ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. રાજયની મુશ્કેલીઓ અને કેન્દ્રની નીતિઓને લઈને તેમનો આજે એક દિવસીય ઉપવાસ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સાથે તણાવ થતાં નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સનું ગઠબંધન તોડીને કેદ્ર સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેચી લીધું છે.

આંધ્રપ્રદેશને વિશેષ રાજયના દરજ્જાની માગણી સાથે ચંદ્રાબાબુ નાયડુ સિવાય ટીડીપીના અન્ય ૧૩ પ્રધાનો પણ પોતપોતાના જિલ્લામાં એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા છે. બીજી તરફ આંધ્રપ્રદેશ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ વાઈએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીએ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના ઉપવાસને એક નાટક ગણાવ્યું છે.

નાયડુ સાથે કેટલાંક મંત્રીઓ તો અન્ય ૧૩ મંત્રીઓ પણ રાજયના વિવિધ વિસ્તારમાં હડતાળ પર ઉતર્યા છે. ચંદ્રબાબુએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, ટીડીપી કયારેક કિંગ મેકર બનીને બહાર આવી હતી અને કેદ્રમાં કોની સરકાર બનશે તે અંગેનો નિર્ણય લેતી હતી.

તો બીજી તરફ, રાજયની વિપક્ષ પાર્ટી YSR કોંગ્રેસે આ ઉપવાસને જનતા સાથેની છેતરપિંડી ગણાવી. વિપક્ષ નેતા જગન મોહન રેડ્ડીને સવાલ ઉઠાવતા કહ્યું કે, જયારે તેમની પાર્ટીના સાંસદો રાજીનામુ આપીને ઉપવાસ પર બેઠા ત્યારે ટીડીપી સાંસદોને સાથ આપવા કેમ ના કહ્યું. તેઓએ કહ્યું હતું કે જો એવું થશે તો આ એક રાષ્ટ્રીય મુદ્દો બનતો અને કેદ્ર આંધ્રને વિશેષ રાજયનો દરજ્જો આપી દેત.(૨૧.૨૩)

 

(2:34 pm IST)