Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ભોપાલમાં પતિઓની વિચિત્ર હરકતોથી પરેશાન પત્નીઓઅે મહિલા આયોગના દ્વાર ખખડાવ્યાઃ ડોક્ટર પતિ દવાની જગ્યાઅે ઇન્‍જેકશન આપી દેતો અને અેન્જિનિયર પતિ ઘરના તમામ સામાન વેર-વિખેર કરી નાખે છે

ભોપાલઃ ભોપાલમાં પતિઓની વિચિત્ર હરકતોથી પરેશાન પત્નીઓઅે મહિલા આયોગના દ્વારા ખખડાવ્યા છે અને આ મુદ્દે રજુઆત કરી છે.

એક મહિલાએ એવી ફરિયાદ કરી કે તેનો પતિ ડોક્ટર છે અને થોડી પણ તબિયત ખરાબ થાય તો ટેબલેટની જગ્યાએ તરત ઈન્જેક્શન આપી દે છે. અન્ય એક મહિલા કે જેનો પતિ એન્જિનિયર છે તેણે કહ્યું કે તેનો પતિ ઘરના તમામ સાધનો ખોલી નાખે પરંતુ ફરીથી ફીટ કરી શકતો નથી. સામાન કબાડીને વેચી નાખવો પડે છે.

મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલા કોલારના રહીશ ડો.લોકેન્દ્ર સાથે થયા હતાં. થોડા દિવસો બાદ મહિલાની તબિયત જો જરાય બગડે તો પતિ તેને ઈન્જેક્શન આપી દેતો હતો. શરૂઆતમાં તો તેણે ધીરજ રાખી. એટલું જ નહીં પતિ ઘરમાં પોતુ પણ બે વાર કરાવે. એકવાર સાદા પાણીથી અને બીજીવાર ફિનાઈલવાળા પાણીથી.

અન્ય એક મહિલાએ કહ્યું કે તેના લગ્ન બે વર્ષ પહેલા વેટરનેરી ડોક્ટર પ્રમોદ સાથે થયા હતાં. અહીં સમસ્યા એ છે કે તેના પતિને જાનવર અને માણસોની બીમારીમાં અંતર ખબર નથી. ઘરમાં કોઈ બીમાર પડે તો તે બેગમાંથી દવા કાઢીને ખવડાવી દે છે. આવામાં અનેકવાર એવું પણ બન્યું છે કે બીમારની તબિયત સુધરવાની જગ્યાએ બગડી જાય છે.

અન્ય એક ફરિયાદ કઈક અલગ છે. જેમાં પીડિત પત્ની નથી પરંતુ પતિ છે. સાકેત નગર નિવાસી અનિલે પરિવાર પરામર્શ કેન્દ્રમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે પત્ની રવિવારે સવાર સવારમાં જ કામની યાદી પકડાવી દે છે. એક પણ કામ બાકી રહી ગયું તો પત્ની રાતે ભોજન તેને ન આપે પરંતુ કચરાટોપલીમાં ફેંકી દે.

મધ્ય પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ લતા વાનખેડેએ જણાવ્યું કે આ મહિલાઓની અરજી સયુંક્ત બેન્ચ સામે  રાખવામાં આવી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ જ ફેસલો લેવામાં આવશે.

(6:12 pm IST)