Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જંગલેશ્વરમાં ૧૦૦ આરોગ્ય કર્મીની ટીમ ઉતારાઇ : ૨૫૦૦૦નો ડોર-ટુ-ડોર સર્વે

રેઇન બસેરા - પથિકાશ્રમ જેવા કોરોન્ટાઇન સેન્ટરોમાં ઓબ્ઝર્વેશન હેઠળ રહેલા લોકોને ઘરથી પણ વિશેષ સુવિધાઓ : ટીવી, કેરમ, બાળકોને રમવા માટે રમકડા અપાયાઃ જંગલેશ્વરની ત્રણ મસ્જીદોમાં નમાજ અંગે મૌલવીઓને ખાસ માર્ગદર્શન અપાયુ : બિમાર લોકોને મસ્જીદમાં ન જવા અપીલ : જરૂર પડયે નમાઝ બંધ કરવા પણ અનુરોધ

રાજકોટ તા. ૨૦ : શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ મળી આવતા આ વિસ્તારમાં ગઇકાલથી જ આરોગ્યની ટુકડીઓ ઉતારી દેવાઇ હતી. અંદાજે ૧૦૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ કામે લગાડાઇ છે અને ૨૫૦૦૦ જેટલા લોકો જે અહીં વસે છે તેઓનો ડોર-ટુ-ડોર આરોગ્ય સબંધી સર્વે શરૂ કરાયો છે.

દરમિયાન જે રહેવાસીઓને શંકાસ્પદ દર્દી તરીકે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે તેઓ માટે મ્યુ. કોર્પોરેશનના નવા રેઇન બસેરામાં તથા પથિકાશ્રમમાં ખાસ કોરોન્ટાઇન સેન્ટરો બનાવાયા છે.

આ કોરોન્ટાઇન સેન્ટરોમાં રહેનારા લોકોને સજા જેવું લાગે નહી તે માટે તંત્ર દ્વારા ઘરથી પણ વિશેષ સુવિધાઓ અપાઇ રહ્યાનું કલેકટરશ્રીએ જણાવેલ. આ કોરોન્ટાઇન સેન્ટરમાં ડીશ કનેકશન સાથે ૪ ટીવી સેટ, કેરમ જેવી ઇન્ડોર ગેમ્સ, બાળકોને રમવા માટે રમકડા, સાત્વીક ભોજન, આરામદાયક બેડ વગેરેની સુવિધાઓ અપાઇ રહી છે.

આ દરમિયાન જંગલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે જંગલેશ્વર વિસ્તારની ત્રણ મસ્જીદોના મૌલવીઓ સાથે કલેકટરશ્રીએ બેઠક યોજી તેઓને કોરોના સામે સુરક્ષાના પગલા અંગે માર્ગદર્શન અપાયું હતું.

જેમાં બિમાર લોકોને મસ્જીદે નમાજ પઢવા નહી આવવા અપીલ કરવી અને જરૂર પડયે નમાજ બંધ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે પણ અનુરોધ કર્યો હતો. આમ, જંગલેશ્વરમાં આરોગ્યલક્ષી તમામ જરૂરી પગલાઓ તથા સુરક્ષાના પગલાઓ લેવાઇ રહ્યાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

જંગલેશ્વરમાં ૨૪ કલાક તબીબી સારવાર : ૪ મોબાઇલ ડીસ્પેન્સરી કાર્યરત

આજ બપોર સુધીમાં ૮૦૦ લોકોને દવા અપાઇ : ઘરે-ઘરે બિમાર લોકોને શોધવા સર્વે

રાજકોટ : શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ જોવા મળતા, કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીનાઙ્ગ પગલાં રૂપેઙ્ગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સ્થિત પ્રણામી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ચોવીસે કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જયાં કોઇપણ સમયે નાગરિકોને પ્રાથમિક તબીબી સારવાર અને માર્ગદર્શન મળી રહેશે, તેમ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

કમિશનરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડિકલ ટીમો અને મોબાઈલ ટીમો પણ જંગલેશ્વર વિસ્તારમાં સતત રાઉન્ડમાં રહેશે અને નાગરિકોને આવશ્યકતા મુજબ સારવાર અને માર્ગદર્શન પણ આપશે. જો કોઈ નાગરિકને વિશેષ સારવારની આવશ્યકતા જણાશે તો તેમણે સિવિલ હોસ્પિટલમાં પણ મોકલાશે. આ પ્રકારે પ્રણામી ચોક ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે અને ફિલ્ડ વર્ક માટે પણ મેડિકલ સ્ટાફ સતત ઉપલબ્ધ રહેશે.

(3:25 pm IST)